Sanj - Sonnet | RekhtaGujarati

(પૃથ્વી)

પ્રશાંત દરિયો અહીં ઘૂઘવતો રહી છંદમાં

અવાક તરુઓ ચૂમે; નીતરવા જરી ભેજથી;

હવા હીંચકતી રહે પકડી પર્ણસંધાનને

વિરાટ જળસેજમાં અગન પીડને ઠારવા,

પડે ક્ષિતિજ-રેખથી સૂરજ બ્હાવરો વ્યોમથી.

ઘડીકભર પૃથ્વી થૈ અડવી તેજ-શૃંગારથી;

તહીં પલકવારમાં અવનિ-રૂપ શંગારવા,

અધીર શશી ઊગતો મધુર તેજના કોડિયે.

લઈ નુપૂર શબ્દના નીરવ મંદિરે નાદથી,

અનાદિ ધ્વનિ ચેતવે વિમળ જ્યોતની આરતી.

ઝીલે સુરભિ તેજની મન અને ત્વચા હર્ષથી;

કશું ભીતર ઝળહળે, રણઝણે નરી ઝાલરી.

નિસર્ગ મહીં ઓગળી ગયું શરીર મારું અને

મળી ઝલક એમના હૂબહૂ વૈભવી રૂપની.

સ્રોત

  • પુસ્તક : તેજવલયનાં તીર્થ (પૃષ્ઠ ક્રમાંક 32)
  • સર્જક : જયેશ ભટ્ટ
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2008