winimay - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જરાય ખસતું ન, મોત ખખડાવતું બારણું,

કહે: “સમય છે થયો, વગર ઢીલ ચાલો હવે,

નથી કરવી વાત કૈં, શુકન તિથિ જોવા નથી,

લગામ કઠતા ધૂણે, હણહણે પણે ઘોડલાં”

કબૂલ કરતો અચૂક મરવું લલાટે બધે,

વળી દિવસ એક ચોક્કસ હું યે જવાનો છું.

પરંતુ અરજી કરું દીનદયાળને આટલી:

મળે વરસ એક, બે, ત્રણ કદાચ જો જીવવા,

ગણીશ દિન સૌ, સુણીશ સંતવાણી સંતો તણી,

કરીશ વ્રત આકરાં, ધરમ ધ્યાન છે બાકી જે,

બધું ચૂકવીશ ઋણ, વ્રણ સૌ રુઝાવીશ ને

થઈશ પરિતાપથી પુનિત પૂર્ણ ને પાવન,

જરૂર સમજો પછી કરીશ મોતનું સ્વાગત,

ઉકેલી લઇ કાફલો કહીશ હું જ: તૈયાર છું!

('મોત ખખડાવતું બારણું' સોનેટમાળામાંથી)

સ્રોત

  • પુસ્તક : અમેરિકા, અમેરિકા (પૃષ્ઠ ક્રમાંક 72)
  • સર્જક : નટવર ગાંધી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન
  • વર્ષ : 2015