સુહાગી સંધ્યાનાં ચઢઉતર રંગે વિલસતા
suhaagii sandhyaanaan chadhutar range vilastaa

સુહાગી સંધ્યાનાં ચઢઉતર રંગે વિલસતા
suhaagii sandhyaanaan chadhutar range vilastaa
શિવલાલ જેસલપુરા
Shivlal Jesalpura

સુહાગી સંધ્યાનાં ચઢઉતર રંગે વિલસતા,
વિશાળા વિસ્તારો લલિત તૃણકેરા રસળતા,
રહ્યા ઝૂકી કેવાં? અભય દિલડે ગાન કરતા,
મહા ઝંઝાવાતે, કર કર મિલાવી મલકતા;
અહો! શા ઉન્માદે, પ્રબળ નિજ એક્યે છલકતા?
અરે! કિન્તુ આ શું? ભડભડ થતા અગ્નિભડકા,
બની ગાંડા વેગે ચહુદિશ વિષે ફાળ ભરતા!
ભીરુ કંપી ઊઠ્યા તૃણપટ બધાંયે પ્રજળિયાં!
રહી ઊંડી ભસ્મે પલક મહીં વાયુ વમળમાં!
તુફાનો વર્ષાનાં, હીમ, ધુમસ, ઠંડી કકડતી,
સહી કૈં વર્ષોથી, શિર ભીષણ ગ્રીષ્મો પ્રજળતી,
જનોનાં કલ્યાણે જીવનભરનો ફાલ અરપી,
ઊભું છે કો ઠૂંઠું, અડગ, ધીર, ગંભીર, અટુલું,
ધખારા ધીખંતા ચીર સમય એને અણુઅણુ.



સ્રોત
- પુસ્તક : પ્રસ્થાન : ચૈત્ર ૧૯૯૪ (પૃષ્ઠ ક્રમાંક 500)
- સંપાદક : રામનારાયણ વિશ્વનાથ પાઠક
- પ્રકાશક : પ્રસ્થાન કાર્યાલય