samay trisha - Sonnet | RekhtaGujarati

સમય-તૃષા

samay trisha

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી

વરસભરનાં વીત્યાં વ્હાણાં, શમ્યાં પલકારમાં,

નથી ખબર કે જાણ્યાં માણ્યાં પૂરાં ઉરબ્હારમાં.

વરસભરના મધ્યાહ્નો ને મીઠી મધરાત્રિઓ,-

શું કહું? સહુયે આ હૈયે તો અજાણ જ યાત્રીઓ.

અધીરપભર્યા ભાવે વેણુ સુણી'તી વસંતની,

નીરખી'તી નભે વર્ષાનીયે મદે પદપંક્તિઓ.

શરદસરમાં દીઠી હોડી સરંતી મયંકની,

પણ કહીંય તે આ હૈયાને થયો નવ સ્પર્શ કો.

દિશ દિશ તણા આદર્શો, - ત્યાં સ્વમૂર્તિ તપાસું હું,

જગમગજના ઝંઝાવાતો, - વીંઝાઉં અશાંત ત્યાં;

દલિતઉરના લાવા, - ન્હાવા તહીં ઉર દોડિયું;

સમયની સુરા, ઢીંચ્યે રાખી અહર્નિશપ્યાલીમાં.

ફરી કહીંયથી ઊગી જો તો નવી નભ કો ઉષા,

ફરી સમયની હૈયે જાગે અદમ્ય ચિરંતૃષા.

સ્રોત

  • પુસ્તક : સમગ્ર કવિતા (પૃષ્ઠ ક્રમાંક 245)
  • સર્જક : ઉમાશંકર જોશી
  • પ્રકાશક : ગંગોત્રી ટ્રસ્ટ, અમદાવાદ
  • વર્ષ : 1981
  • આવૃત્તિ : દ્વિતીય આવૃત્તિ