re hind - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રે હિન્દ, આથી વધુ ભાગ્યવિહીન ક્યારે?

એકેય યોગ્ય નહિ શાસક રાજગેહે

દિલ્હીમંહી. જન પ્રપંચક દસ્યુકેરાં

ટોળાતણું સ્ખલિત શાસન વાર વારે!

પિંઢારલૂંટઃ જ્યહીં ધાન્યથી કોલસાનું

છે ઝાઝું મૂલ્ય, યુગસિદ્ધ અરણ્ય નીલ

તે ભૂમિ બંજર થતી, તલને પ્રદેશ

જે વારિસંચિત-વિલુપ્ત હવે સદાનું.

જીવપ્રાણહર સર્પ પિપીલિકાની

સંયુક્ત શક્તિ થકી નષ્ટ થયેલ, જાણું;

ટાણું દૂર નહિ, એક દાયકામાં

ના કોઈ દસ્યુતણી શેષ હશે નિશાની.

હો અંધકાર, દુ:ખ મૃત્યુની યાતનાય,

એમાંથી માર્ગ કરી જીવન વ્હેતું જાય.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 177)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004