Jatakkatha - Sonnet | RekhtaGujarati

જાતકકથા

Jatakkatha

જયન્ત પાઠક જયન્ત પાઠક
જાતકકથા
જયન્ત પાઠક

અહો અંગોના નિબિડ ઝૂલતા જંગલ મહીં

ઘૂમ્યો, કેવા કેવા જનમ ભવમાં એક ધરી!

સરે છાતીનાં જે સુભગ સ્ફુટ બે સોનકમલો

હું બંધાયો એમાં સમયનું ભૂલી ભાન ભમરો!

અહો બે-કાંઠે સઘનવન વચ્ચેથી વહતી

નદીને પીધી મેં લપ લપ જીભે વાઘની, અને

મદીલા હાથીને રૂપ ભીની ભીની ભેખડ ખણી;

ધરે ઊંડા પેઠો મકર થઈ ડ્હોળંત જલને!

તમારાં અંગોના સુખશીતલ ચંદનવને

વીંટાયો હું તાપે વિકલ, તરુને, સાપ થઈને;

ફર્યો છું સુંવાળો પવન બની રોમાંચ બીડમાં

ગયો છું ને સાંજે વિહગ થઈ હૂંફાળ નીડમાં.

બધા આનંદોની પરિણતિ - હવે વ્યાપક વ્યથા;

જુદી સંબુદ્ધોથી મુજ જનમની જાતકકથા.

(30-8-'75)

સ્રોત

  • પુસ્તક : અનુનય (પૃષ્ઠ ક્રમાંક 51)
  • સર્જક : જયન્ત પાઠક
  • પ્રકાશક : કુમકુમ પ્રકાશન
  • વર્ષ : 1978