aa rastao - Sonnet | RekhtaGujarati

આ રસ્તાઓ

aa rastao

ઉશનસ્ ઉશનસ્
આ રસ્તાઓ
ઉશનસ્

મને રસ્તાઓ જરીય ઠરવા દે ન, ઘરમાં

ઘૂસી આવે ક્યાંથી ઘર વગરના, ચોર; પકડી

લિયે હૈયું, મારા કર પકડીને જાય ઘસડી,

પૂરું સૂવા દે; સ્વપ્ર મહીં આવે નજરમાં.

વીંટાયા છે કેવા પૃથિવી ફરતા લેઇ ભરડા!

નવા અક્ષાંશોની ઉપર નવ રેખાંશ-ગૂંથણી!

અરે, કૈં વાંકા ગલ જલધિનીરે જઇ પડ્યા!

હલાવું બીજા તરુવિટપ શા, તો મધપૂડા

ઊડે વસ્તી કેરા ટીશી ટીશી રહે શી બણબણી!

મને પૃથ્વીની પ્રીત પણ અરે, એવી મળી:

રહે ના દીવાલો ભીતર ગૃહિણી શી ઘર કરી;

છતાં, હાવાં તો રખડું શું હૈયું એવું હળ્યું કે

હું સ્વર્ગેથીયે પૃથિવી પર પાછો ફરીશ, હા;

-હજી કૈં કૈં રસ્તા મુજ પદની મુદ્રા વણ રહ્યા.

(૧૯૬પ)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000