rakhene - Sonnet | RekhtaGujarati

રખેને ઝંખેલા પ્રણયમિલને થાય અવળું;

દબાવી તોફાની દરદ દિલ, બેળે સ્મિત કરી

સખી! મૂંગો બેઠો, તલ મુખ ભણી મીટ ભરીને

- અને ત્યાં એ મૌનસ્મિતમહીં થયું વ્યક્ત સઘળું!

રખેને વાંચ્છેલા મિલન રસરંગે ક્ષતિ પડે;

દબાવી દૈ ને હું ક્ષતહૃદયની આરત બધી

સખી! આઘે બેઠો, તવ કર રખે સ્પર્શું ભયમાં;

- અને એ બેઠાંમાં પ્રકટ થઈ અકળામણ ઊંડી,

રખેને આ છેલ્લી પ્રણય ઘડીએ કોક નગણી

ઘવાયા હૈયાની પ્રખરતમ જ્વાલા રહી રહી

ભભૂકી ઊઠે, ને તવ હૃદય બાળે અમસતું

ગણી, બેઠો મીંચી નયનદ્વય, માથું નત કરી;

- અરે! એ મીંચેલાં નયનયુગલે કહી દીધું બધુ!!

સ્રોત

  • પુસ્તક : સાધના (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સર્જક : ભોગીલાલ ગાંધી ‘ઉપવાસી’
  • પ્રકાશક : રમણલાલ પી સોની
  • વર્ષ : 1944