rahyan warsho teman - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રહ્યાં વર્ષો તેમાં-

rahyan warsho teman

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
રહ્યાં વર્ષો તેમાં-
ઉમાશંકર જોશી

રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું

ભલા પી લે; વીલે મુખ ફર રખે, સાત ડગનું

કદી લાધે જે જે મધુર રચી લે સખ્ય અહીંયાં;

નથી તારે માટે થઈ નિરમી ‘દુષ્ટ’ દુનિયા.

-અહો નાનારંગી અજબ દુનિયા! શે સમજવી?

તને ભોળા ભાવે કરૂં પલટવા, જાઉં પલટી;

અહંગર્તામાં હા પગ, ઉપરથી, જાય લપટી!

વિસારી હુંને જો વરતું, વરતે તું મધુરવી.-

મને આમંત્રે મૃદુલ તડકો, દક્ષિણ હવા,

દિશાઓનાં હાસો, ગિરિવર તણાં શૃંગ ગરવાં;

નિશાખૂણે હૈયે શશિકિરણનો આસવ ઝમે;

જનોત્કર્ષે-હ્રાસે પરમ ઋતુલીલા અભિરમે.

-બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશ હું:

મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું.

અમદાવાદ, ર૧-૭-૧૯પર/પ૩ (વસંતવર્ષા)

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ ઉમાશંકર (પૃષ્ઠ ક્રમાંક 65)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2005