Rahasyo Tara - Sonnet | RekhtaGujarati

રહસ્યો તારાં

Rahasyo Tara

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
રહસ્યો તારાં
ઉમાશંકર જોશી

કહું કે ચાહું છું જગ સકલમાં એક તને,

રખે માને, વ્હાલી, ઇતર પ્રણયો ના મુજ ઉરે;

રખે વાંછે, ભોળી, ઇતર પ્રણયો ના ટકી શકે

ઉરે મારે, તારા અનુભવ પછીયે સુમૃદુલ!

બિછાવે છોને સૌ પ્રણયની જગે રમ્ય ભ્રમણા,

અનન્યાસક્તિની વિતથ કરી વાતો પ્રિય કને.

સખી, હૈયાની જે અમિત ધબકો ઊઠી શમતી,

કહે કૈં ખોટું જો કદીક મળી કોને મહીંથી બે?

કહું સાચ્ચું વ્હાલી, મુજ હૃદય જાગ્યા અણગણ્યા,

હજી જાગે, જાગ્યા હજીય કરશે કૈંક પ્રણયો.

અજાણી કો બાલા સ્મિત દઈ ગઈ, કો દૃગ મૃદુ,

અમી શબ્દો, સૂરો, ક્યમ કરી સહુ ભૂલી જવું?

ગણું સૌનો એવો તું પણ સખી એહ્સાન ગણજે,

રહસ્યો તારાં હું લહું પરમ સર્વ થકી તો.

સ્રોત

  • પુસ્તક : સમગ્ર કવિતા (પૃષ્ઠ ક્રમાંક 152)
  • સર્જક : ઉમાશંકર જોશી
  • પ્રકાશક : ગંગોત્રી ટ્રસ્ટ, અમદાવાદ
  • વર્ષ : 1981
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ