રેઇસકોર્સ
racecourse
હરીન્દ્ર દવે
Harindra Dave
હરીન્દ્ર દવે
Harindra Dave
પ્રવેગે દોડે એ તુરગ સ્થિર આંખો મહીં થયો,
ક્ષણાર્ધે દેખાયા યુગ યુગ : ઘડી ચાર ચરણો
ધરા પે, તો પાછાં ઉપર પળમાં, ને મુખ લળ્યું
અગાડી : સૌ શ્વાસો લયવિલય એના જ શ્વસને.
અને એ શ્વાસો ઐ અગણિત જનોના, પલકમાં
નિસાસાઓ થૈને કણ કણ વિખેરાય ગગને :
ફરી પાછો કોલાહલ, કર મહીં કોલબુક, ને
રહ્યા દોડી અશ્વો મન મહીં અને કાગળ પરે.
હવે અશ્વો ઊભા, જન સકલ દોડે અહીંતહીં;
ફરે અંકો, સાથે ગતિ કરી રહે ચક્કર ઘણાં :
ધસે સૌ મુઠ્ઠીમાં જકડી નિજનું ભાવિ પળમાં
તરે કે ડૂબે કૈં મનખ અહીં ફોટોફિનિશમાં.
ફરી આંખો ઝીણી થઈ ગતિ કરે દીર્ઘ પટમાં
રહે હાંફી અશ્વો : હણહણી રહે માણસ બધા.
સ્રોત
- પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 90)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
- વર્ષ : 1984
- આવૃત્તિ : બીજી આવૃત્તિ
