pigmeliyan - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પિગ્મેલિયન

pigmeliyan

અબ્દુલકરીમ શેખ અબ્દુલકરીમ શેખ

મને હું જાણું, અધિક કંઈ તેથી મુજને

તમે જાણો! કેવો સુભગ કંઈ સંયોગ વિધિએ

ઘડ્યો આજે આંહી મુજ જીવનમાં! ધન્ય સુણીને

થયો આજે હું તો! સફળ મુજ સ્વપ્ન મધુરું!

જડેલું જે કાવ્યે ઝળહળ હતું દેવળ મહા,

ગભારે જેના સૌ મુજ સ્વપન સાકાર કરવા

ઘડેલી મૂર્તિ મેં, ટક ટક હથોડે સમયના,

હવે તે મૂર્તિ કૈં ગદ ગદ ‘તથાસ્તુ’ ઉંચરતી!

ચમત્કારો સર્જે વિધિ કંઈ કેવા જીવનમાં!

અહીં મૂર્તિ બોલે, હું સુણી રહું શિલ્પ થઈને!

કહે તે જાણે છે અધિક મુજથી યે કંઈ મને!

થતું હૈયું ખોલી કહી દઉં : ‘પ્રિયે હું તુજને!’

છતાં શાને મારાં અધર ખુલે કાંઈ વચને?

અરે, હું તો મૂર્તિ! ટક ટક ઘડે તું પ્રિય મને!

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 93)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008