prshant kshan - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પ્રશાંત ક્ષણ

prshant kshan

ઉશનસ્ ઉશનસ્
પ્રશાંત ક્ષણ
ઉશનસ્

રથ સમયનો વિસામો લે નિશીથતરુ તળે,

પવન ફરતો તારાપર્ણો મહીં કદી મર્મરે,

ઊંધથી ઝઘડી મોડાં મોડાં ગયાં મળી છે દૃગો,

વિષયવિષના થાકયાપાકયા લપ્યા દર પન્નગો,

કઠણ કરની મૂઠી હાવાં પડી રહી છે ખૂલી,

પકડ મનની વસ્તુમાત્રે, જરા પડી છે ઢીલી.

ઘડીક બધું; શેરી કેરી છબી - સ્થિર જીવન-

વિચલિત થશે; ધોરી સ્કંધે ધુરા ફરી મૂકશે

હળવી ફિકરો છોડી નાખી ઊંધે ચડી ગાલ્લી તે.

સ્થિર ગરગડી પાછી કૂવે ઊંડાણ ઉલેચશે,

જળની નીક પાછી ચાલુ થશે; રુધિર રગે

નવી ભરતીનો ધક્કો ખેંચી જશે ચરણો ક્યહીં

સ્થિર પડી રહ્યાં ખૂણામાં ઉપાન ચપોચપ!

અવર-દિન-ચીલે મુકાશે ફરી રથ– ને ગતિ...

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989