પ્રિયે, ચાલો પાછાં
priye, chaalo paachhaa
ઉશનસ્
Ushnas
ઉશનસ્
Ushnas
પ્રિયે, ચાલો પાછાં પરિચય વિનાનાં પ્રથમ શાં
અજાણ્યાં થૈ જૈએ, પરિચય વિનાની ભીડ મહીં
ભળી જૈએ થોડો અતીત 'અમ' તે મૂકી જ અહીં
પળી જૈએ ભાવિ તરફ ભૂંસી આ સપ્ત પગલી.
તમોને ના ફાવી મુજ પ્રીત, ખરું? તો પડી રહી,
ન ફાવે એ કોને — અશું કશુંક મારી પ્રીત મહીં.
લિયો તો આ ગીતો, સપન, સ્મરણો સૌ પરત લો,
તમારે હાથે આ અધર પરથી ચૂંટી સ્મિત લો,
જરી ના ખેંચાશો — ત્વચ મુજ ભલે લો ઉતરડી,
તમારે તો એવું પરત કશું દેવાનું જ નથી!
સુખી બડ્ભાગી છો પરમ, કશું મારું લીધું નથી!
હતાં તેવાં પાછાં પરિચય વિનાનાં પ્રથમશાં
હવે આવો સામાં મુજ પથ...
નહીં હે પ્રિય, નહીં,
ન આવો; હું ચાહ્યા વગર તમને ન્હૈં શકું રહી.
સ્રોત
- પુસ્તક : સમસ્ત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 278)
- સર્જક : ઉશનસ્
- પ્રકાશક : કવિશ્રી ઉશનસ્ અમૃત મહોત્સવ સન્માન સમિતિ
- વર્ષ : 1996
