sakhi mein kalpi’ti - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સખી મેં કલ્પી’તી-

sakhi mein kalpi’ti

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
સખી મેં કલ્પી’તી-
ઉમાશંકર જોશી

સખી મેં કલ્પી'તી પ્રથમ કવિતાના ઉદય શી,

અજાણી ક્યાંથીયે ઊતરી અણધારી રચી જતી

ઉરે ઊર્મિમાલા, લયમધુર ને મંજુલરવ,

જતી તોયે હૈયે ચિર મૂકી જતી મોદમદિરા.

સખી મેં ઝંખી'તી જલધરધનુષ્યેથી ઝૂલતી,

અદીઠી શી મીઠી અવનવલ રંગોની લટ શી.

પ્રતિબિંબે હૈયે અણુ અણુ મહીં અંકિત થતી,

સ્ફુરંતી આત્મામાં દિનભર શકે સ્વપ્નસુરભિ

સખી મેં વાંછી'તી વિરલ રસલીલાની પ્રતિમા,

સ્વયંભૂ ભાવોના નિલય સરખી કોમલતમ,

અસેવ્યાં સ્વપ્નોના સુમદલ-રચ્યા સંપુટ સમી,

જગે મર્દાનીમાં બઢવતી ચિત્તે તડિત શી.

મળી ત્યારે જાણ્યું : મનુજ મુજ શી, પૂર્ણ પણ ના.

છતાં કલ્પ્યાથીયે મધુરતર હૈયાંની રચના.

[૧-૧ર-૧૯૩૭. (નિશીથ)]

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ ઉમાશંકર (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2005