haji pase chho tyan - Sonnet | RekhtaGujarati

હજી પાસે છો ત્યાં...

haji pase chho tyan

ભાનુપ્રસાદ પંડ્યા ભાનુપ્રસાદ પંડ્યા
હજી પાસે છો ત્યાં...
ભાનુપ્રસાદ પંડ્યા

સિધાવો, ના રોકું, પથ પણ તરુડાળ ઝૂકવી

નિમંત્રે; વાયુનો રથ અલસ, વેલા અનુકૂલ.

વધાવે કલ્લોલો, ખગ સરીખડા! જાવ, ભ્રમર

તજે બંદીખાનું સૂરભિતણું, હા, એમ ઊપડો!

તમોને શેં રોકું? પ્રતિપળ ચુનૌતી વય દઈ

રહી! ના હેં ઝાલ્યો તુરગ સમ ઉત્સાહ ઊછળ્યો!

મહેચ્છાને પાંખો ક્યમ નવ ફૂટે નભ વડું

નિહાળી? ના થોભો; પરવરી રહો, મંગલ ચહું!

પછી સંદેશા ને ખબર ખત થાશો? તબકશો

ઉનાળે વેળુના સપન મહીં આષાઢ સરખા

અમારી નિદ્રામાં? નિતની થઈ વાતો બસ, વહી

જવાના શું? દ્વારે સતત ભણકારા બની જશો?

‘વિચાર્યું શું છાનુ મુજથી?’: પૂછશો ના પ્રિય! મને

હજી પાસે છો ત્યાં ભટકતી થઈ નિર્જન રણે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 96)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000