prawasi diwse - Sonnet | RekhtaGujarati

પ્રવાસી દિવસે

prawasi diwse

નટવર ગાંધી નટવર ગાંધી
પ્રવાસી દિવસે
નટવર ગાંધી

પ્રવાસી દિવસે વિદેશ વસતા અમે દેશીઓ,

કુટુંબ કબીલો લઇ વતન આવતા દોડતા,

મહાજન વધાવતા દયિત પુત્ર પ્રોડીગલ,

બજાવી શરણાઈ, ખુબ હરખાઈ, સત્કારતા.

નસીબ અજમાવવા, પ્રગતિ સાધવા, લાધવા

અલભ્ય સુખ શાંતિ, કાંતિ, નવ દેશ આકર્ષણે,

ભલે વતન છોડ્યું, તોય હજી ના ના છૂટતી

પ્રસન્ન મધુ ગંધ ધરતીની, પ્રીતિ દેશની.

અધીર ઉર દોડતાં અચૂક ગામ જુને જતાં,

જુને ઘર જઈ ખચીત ખખડાવતાં ખિડકી,

જવાબ મળતો ન, નામ લટકે પરાયું, અરે,

હવે નથી નથી અમારું ઘર એ, અજાણ્યા અમે!

ભમી ગલી ગલી જૂની, વતન વ્યર્થ ફંફોળતા,

પૂછાપૂછ કરી બધે સ્વજન મિત્ર કો’ ખોળતા!

સ્રોત

  • પુસ્તક : અમેરિકા, અમેરિકા (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સર્જક : નટવર ગાંધી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન
  • વર્ષ : 2015