Pratyavart - Sonnet | RekhtaGujarati

પ્રત્યાવર્ત

Pratyavart

વિજય રાજ્યગુરુ વિજય રાજ્યગુરુ
પ્રત્યાવર્ત
વિજય રાજ્યગુરુ

ધસે ધસમસે પ્રચંડ જળખંડ લ્યો ત્રાટકે

ધડીમ્બ ધબ હૈ પડે,લડથડે, છતાં છાલકે -

ફરી બળ કરી કરી ખડકફાટમાં ઊતરે...

જરી થરકથર્થરી જળ, પછી ઠરે - લાંગરે.

જલૌઘ તજતાં થયું અરવ તે જળે આછરે.

છબાક શમણાં સરે, ગગનમુદ્રણા વિસ્તરે -

સમુલ્લસિત નેત્રમાં. જળ કહે - 'અહીં લેટવું -

અહીં વસવું હવે, સમદરે પાછા જવું.'

પળેક પળમાં નભે ગરજતાં ચઢે વાદળાં

બથોબથ લડે અઠંગ જણ હાંફળાં-ફાફળાં

સળંગ જળભંગથી હલબલી ધરા ધ્રૂજતી

જતી, પવન-મેઘના પરશથી હતી કમ્પતી !

સમુદ્રજળ બાપડું સડસડાટ કાંઠે ચડે...

ફરી ફિણણતા સમન્દર મહીં ધબાકે પડે.

સ્રોત

  • પુસ્તક : નિસ્સંગ સૂર્ય (પૃષ્ઠ ક્રમાંક 64)
  • સર્જક : વિજય રાજ્યગુરુ
  • પ્રકાશક : રવિ-મંગલ પ્રકાશન
  • વર્ષ : 2010