marjiwiya - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સમુદ્ર ભણી ઊપડ્યા કમરને કસી રંગથી

અટંક મરજીવિયા, ડગ ભરન્ત ઉત્સાહનાં;

પ્રદીપ્ત નયનો; અથાગ બળ ઊભરે અંગથી;

મહારવતણી દિશા પર ઠરી બધી ચાહના.

ડર્યાં પ્રિયજનો; બધાં સજલનેત્ર આડાં ફર્યા,

શિખામણ દીધી : ‘વૃથા જીવન વેડફો કાં ભલા,

કહીંથી વળગી વિનાશકર આંધળી બલા?’

પરન્તુ દૃઢ નિશ્ચયી નહિ એમ વાર્યા વર્યા.

ગયા ગરજતા અફાટ વિકરાલ રત્નાકરે;

તરંગ ગિરિમાળ શા હૃદય ઉપરે આથડ્યા,

હઠ્યા લવ તોય, સાહસિક સર્વ કૂદી પડ્યા

અગાધ જળમાં, પ્રવેશ કીધ કાળને ગહવરે.

ખૂંદ્યાં મરણનાં તમોમય તળો અને પામિયા

અખૂટ મણિમોતીકોષ, લઇ બ્હાર આવિયા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 77)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000