pratham shishu - Sonnet | RekhtaGujarati

પ્રથમ શિશુ

pratham shishu

ઉશનસ્ ઉશનસ્
પ્રથમ શિશુ
ઉશનસ્

પ્રથમ શિશુના જન્મે ગેહે અનંત કુતૂહલ:

સકલ ઘરના જેવું મારે ઘરે પણ પારણું!

અવર સઘળાં ડિમ્ભોશું શિશુય અણુઅણુ!

પગ ટચૂકડા, નાના નાના કરો પર અંગુલ!

ઝણકત છડા શેરીવાટે, કલધ્વનિ ઉદ્ભવે,

સ્વર નીકળતો તા...તા, તેનો વધુ રસ વેદથી!

અરવ અવકાશે જાણે ઊઠી પ્રથમશ્રુતિ!

વળગણી ઝૂલે વાઘા નાના ધજા સમ ઉત્સવે!

પ્રથમ શિશુના જન્મે જાણે નવેસર જીવન,

પ્રથમ સ્થિતિ ને બે વચ્ચે સામ્ય દીસે જરી,

ફળ ફૂલ પછી બીજી સ્થિતિ, નવાઈ છતાં નરી:

પરિણયવટે આવી ટેટી ફૂટે ભરચેતન!

પ્રથમ શિશુ સૌ ક્હાનો, માતા બધી યશોમતી

મૃદમલિન મોંમાં બ્રહ્માંડો અનંત વિલોકતી!

(ર૪-ર-પ૪)

સ્રોત

  • પુસ્તક : ઉશનસ્ સમસ્ત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સર્જક : ઉશનસ્
  • પ્રકાશક : કવિશ્રી ઉશનસ્ અમૃત મહોત્સવ સન્માન સમિતિ
  • વર્ષ : 1996