Tame Aavya.... - Sonnet | RekhtaGujarati

તમે આવ્યાં...

Tame Aavya....

ભગવતીકુમાર શર્મા ભગવતીકુમાર શર્મા
તમે આવ્યાં...
ભગવતીકુમાર શર્મા

તમે આવ્યાં મારે સદન, અણધાર્યાં રૂમઝૂમ્યાં;

પહેલી વર્ષાની નૂપુર-ઘૂઘરીઓ રણકતી

હતી ત્યારે કંકુ-પગલી નમણી ઉંબર પડી

અને ભીની ભીની મહક મટિયાલી હળુહળુ

વહી આવી; મારા મઘમઘત શ્વાસો પરિમલે,

હતા જે રેતી શા ઉર-ધધખતા ગ્રીષ્મ અનલે.

ઝરૂખે બંધાયાં જલ-શિકરનાં તોરણ રૂડા;

તમે જે રોપીતી જૂઈ ધવલ કેવી થનગને!

નભે વિદ્યુત્લેખા રહી રહી શિરોટાય ઊજળી

તમારાં નેત્રો–શી-તમસ-દ્યુતિનો સંગમ અહો!

ઝૂકી આપ્યું હેઠું ઘનગગન બાહુ પ્રસરતું

ધરાને આશ્લેષી કુસુમિત કરી સાર્થક થવાં.

તમે આવ્યાં-મારા કણકણ વિશે ભાવ-પુલક!

જુઓ, અંકુરાયું નવતૃણ થકી આંગણ પ્રિયે!

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1979 (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ