wasantpanchmi - Sonnet | RekhtaGujarati

વસંતપંચમી-

wasantpanchmi

ઉશનસ્ ઉશનસ્
વસંતપંચમી-
ઉશનસ્

મધુપ્રસરને પૂરા પાંચે દિનો વીત્યા હજી

ફૂલ ફૂલ થઈ ગૈ ડાળીઓ ત્યહીં તરુવલ્લીની!

કુશલ કરના માળીથીયે શકાય જે સ્ત્રજી

અવિરલ ફૂલે બ્હોળે હાથે ગૂંથી સળીઓ ઝીણી!

પરણ દીસેં, પર્ણો ઢાંકી ફૂલ્યો ફૂલસાગર!

તરુ બની ગયાં ફૂલે ગૂંથ્યા નર્યા ગજરા ઘન!

ક્ષિતિતલ થકી ઉત્સો શા ઊડ્યા ફૂલસીકર!

કુસુમિત ડૂંડે પુષ્પક્ષેત્રો સમાં દીસતાં વન!

લીલ શું મધુકાસારે! આંબા અશા નત મ્હોરથી,

વનની સ્થલીપે જાળો ગંધે કષાય કટુ ઢળી,

તરુલીન પિકો, વ્યોમે ચીલો, દ્રુમાગથી ઊતરી

ઝડપથી ચડી ખિસકોલીઓ દ્રુમાગ બીજે જતી!

પ્રથમ રતિથી ફાટું ફાટું થતાં કળી શાં વન!

સમયપુરુષે રૂંરૂં વીંધ્યું નિસર્ગશ્રીનું મન!

સ્રોત

  • પુસ્તક : ઉશનસ્ સમસ્ત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 195)
  • સર્જક : ઉશનસ્
  • પ્રકાશક : કવિશ્રી ઉશનસ્ અમૃત મહોત્સવ સન્માન સમિતિ
  • વર્ષ : 1996