Polona pahadoma - Sonnet | RekhtaGujarati

પોળોના પહાડોમાં (એક સૉનેટ-ગુચ્છ)

Polona pahadoma

મણિલાલ હ. પટેલ મણિલાલ હ. પટેલ
પોળોના પહાડોમાં (એક સૉનેટ-ગુચ્છ)
મણિલાલ હ. પટેલ

(1)

વનોમાં મધ્યાહને સૂનમૂન ફરે છે વિજનતા,

ઋતુ જેવી, એવી લથબથ બધે ગીચ ‘વનતા’.

ખરે પર્ણો પીળાં તરુવર થકી; તાપ તપતા.

વળી સાંજે પાછી ફરફરી રહે ગાઢ ઘનતા!

બધે લીલું પીળું ઋત વિલસતું સૃષ્ટિક્રમનું;

છકેલા વાયુમાં ચિરવિરહવ્યાકુલ મનનું

વસંતે વૃક્ષોમાં અનલ-ફૂલ થૈને પ્રગટવું,

તળેટી મેદાનો મઘ મઘ કરીને મટી જવું.

દવે દાઝી રે’તું વન રજનીમાં સોનવરણું,

પણે ગાતાં ગાતાં અટકી ગયું છે કોક ઝરણું.

અજાણ્યાં શૃંગો છે અપરિચિત કેડી અગણિત

બધું ઘેરી લે છે તન-મન, અને હું તૃણવત્.

અરણ્યો ઓઢીને અયુત વરસોથી તરુતટે

ઊભો છું આશાથી : કૂંપળ ફૂલ એકાદ પ્રગટે...

(2)

પ્રલંબતા છાંયા, દિન ઢળી જતો પ્હાડ પછીતે,

અરણ્યો ઓઢી લે હરિત ભૂખરું સાન્ધ્ય વસન

બધે ઓળા ઝાંખા ઝળહળી રહે આભ શિખરે...

ઊડે બૂડે પંખી, રવ-અનુરવે રાન રણકે...

પછી અંધારાનો પથિક પ્રગટે, પંથ પલળે

બધે કાળાં પાણી અરવ ઘૂઘવે, પ્હાડ પલળે

ડૂબે વૃક્ષો, વ્હેળા ત્રમત્રમ રવે રાન પલળે

વહે અંધારામાં પવન પલળી, ગાન પલળે.

બધા પ્હાડો ઝાંખા તરુવર દીસે પ્રેત સરખાં,

ખરે પર્ણો જાણે તરફડી ઊઠે પાંખ પળની.

થીજેલી રાત્રીમાં તિમિરતરસ્યાં રીંછ રખડે

રડે ફાલુ કાળું, દવ-તરસ લૈ ઘૂવડ રડે...

યુગોથી ઊભો છું ઋત બદલતા જંગલતટે

ફળે આશા, : ક્યારે તિમિર વનમાં સૂર્ય પ્રગટે!

(3)

મને આપો મારો તરુપ્રણય પાછો પ્રથમનો

મને આપો પાછાં રુધિર રમતાં આદિમ વનો.

મને ઘેરી લે છે સરિત, તરુ, પ્હાડો, ગીચ વનો

મને શોધે મારાં હરિતવરણાં ગ્રામીણ જનો.

સંબંધો સન્દર્ભો ઉતરડી અને નાગરજનો

નર્યા સ્વાર્થે શોષે, નગર-રણની સંસ્કૃતિ જુઓ!

મને સ્થાપો મારા અસલ ઘરમાં, આદિમ જન

વહી આવું પાછો ત્યજી દઈ બધાં બંધન ઘન!

સ્તનો શાં શૃંગોમાં તરુવરતટે કે જળતટે

પુરાણી માટીમાં મુજ ઘર ભીનું હોવું ઘટે,

બધું ભૂલી જૈને કુસુમવત્ શા વાય પવનો

બધું જૈને તૃણવત્ ભમે આદિમ જનો.

મને આપો મારો તરુસમય પાછો પ્રથમનો

હું આદિવાસી છું અયુત શતકો ને જનમનો.

(4)

વસંતો બેઠી છે વન વન વિશે વૈભવ વધે

મદે ઘેલો વાયુ, કૂહુરવ કરે કોયલ બધે.

ખીલેલા કેસૂડે ઝળહળી ઊઠે જંગલ અને

નદી કાંઠે કાંઠે સળગી ઊઠતાં શાલ્મ તરુઓ

પડે ન્હાવા ત્યારે જળ સળગતું, પ્હાડ તળગે

ઘડી આઘું ઓરું ફરફરી જતું રાન વળગે...

સુગંધો રોકે છે પગ પકડીને મધ્ય વગડે

વીતે વેળા એની ખબર પડે, પર્ણ ખખડે...

ખરી ચાલ્યાં પેલાં તરુવર બધાં તામ્રવરણાં

મરી ચાલ્યાં પેલા જળ, જળચરો, શુષ્ક તરણાં.

ઘટી ચાલી ગાઢી વનની ઘનતા, ભોંય ઊઘડી

દિશા હાસો જેવી કણજી ફૂટતાં લીલપ ચડી.

અરણ્યો આઘેનાં મુજ ભીતરમાં વિસ્તરી રહે

વસંતે પ્હાડોમાં અસલિયતનું અમૃત વહે...

(5)

પુરાણા પ્હાડો છે પરિચિત કશાં તરુવરો

નદી વાંકીચૂકી, વિમલ સર ને નિર્ઝર સ્વરો

બધું આછું આછું ગતજનમ સંસ્કાર જગવે

રહસ્યો જીવ્યાનાં : વનની વચમાં થૈ જળ દ્રવે,–

વહે વાયુ થૈને, પરણ થઈ ફૂટે, ખરી પડે!

વનોમાં એકાન્તે અતીત પજવે, સાંપ્રત અડે,

પહાડો, વૃક્ષોની અકળ ગતિને વિસ્મય વડે

તપાસી જોવાની સહજ; તરુથી વ્હાલ દદડે.

નિરાંતે બેસું છું પરિચય વિનાના તરુ તળે

મને ધીમે ધીમે પરિસર કશો નૂતન મળે

ઝૂકે ડાળી ડાળી થડ થકી છૂટે વ્હાલ-ઝરણાં

પછી હું ચાવું છું ફૂલ કૂંપળ ને છાલ તરણાં!

મને હાવાં મારી ખબદ નથી, હું અન્ય જન છું

બધું ભૂલી જૈને અસલ મૂળનો વન્ય જન છું...

(6)

ઘટાઓ વૃક્ષોની અઢળક, ખીચોખીચ પ્રસરી

પ્રશાખા શાખાઓ, નથી ઊતરતો સૂરજ જરી.

બપોરે અંધારું હળવું હળવું હોય શીતલ

કશી આછી આછી હૃદસસમ થાતી હલચલ.

ગયું છૂટી જુઠ્ઠું જગત, અહીં તો કોઈ નથી,

હવાના વ્હેવાથી હળુ હળુ હલે પાંદ કદી.

કશે ઊંડાણોમાં વખત વળી પાછો ફરી જતો

અહીં અંધારાનો હણહણી અને અશ્વ ફરતો.

પહાડોનાં શૃંગે, વન ઉપર વિદગ્ધ તરતો

ઉનાળાનો દા’ડો અલસગતિમાં મંથર જતો.

વળી વર્ષાકાળે ખળખળ વહે જંગલ અને

શિયાળો ઝંખે છે ફરફર થતો સૂરજ વને.

બધાં ઘેરી ઊભાં; શતક, જનમો વિસ્મિત મને,

હવે હું વૃક્ષોથી નથી અલગ, છું ડુંગર વને.

(7)

છટાઓ શી શી છે! નવ નવલ રંગોની વસતિ

અહીં ગાઢો લીલો, મરુણ, વળી ત્યાં કથ્થઈ અતિ,

ફૂલો પીળાં, રાતાં, કૂંપળ ફૂટતી વિસ્મિત દગે,

ઊભાં વૃક્ષો કાળાં, થડ અવરના જામલી જગે.

જળે ઝાંખા રંગો, બળબળ થતો પીત તડકો

પણે ઊડે લીલો કલરવ અહીં લાલ ભડકો.

દીસે ભૂરાં નીલાં શિખર, નભ ને સ્રોવરજળ;

દિશાનાં ચિત્રો તો સતત બદલાતાં ઝળહળ.

બધાં ખંડેરોયે હરિત ભૂખરું ઘાસ, તરુઓ

નથી ચૉકી કોઈ, ધન નથી, નથી નાગ, ચરુઓ.

હજારો વર્ષોનાં ગગન અડતાં ઝાડ ઝૂલતાં

પુરાણી વાવોનાં હવડ જળ અંધાર ઝીલતાં...

કશા સંકેતોથી જળ, તરુ, વનો સાદ કરતાં

મને મારું સાચ્ચું ઘર મળી ગયું રાન ફરતાં.

(8)

નથી રે કોઈ જનપદ, નર્યું છે વનપદ

દિશાઓ ઘેરીને ગિરિવર ઊભા વૃક્ષ–ખચિત

અહીં કેડી સર્વે અટકી ગઈ છે ને સડક ત્યાં

લહી એકાકીલું, નગર ભણી પાછી વળી ગઈ.

ગયા ખંભા સાથે વીજળી વહતા તાર સુદૂર

નર્યાં રોમાંચોથી તરુવન હવે છે ભરપૂર

કરે મૈત્રી વૃક્ષો, વિહગ, પશુ, જંતુ જળઝરો!

નિષેધો ના કોઈ મન મૂકી અને જ્યાં પણ ફરો.

મનીષાથી દુઃખી જન નગરમાં, ચેન નથી

ઘણા રોગો, કામો, ખટપટ, અહો! બંધન અતિ.

અહીં કોઈ એવી નિજ હિત તણી સંસ્કૃતિ નથી

અજાણ્યાં તોયે વિજન વનમાં થૈ જવું યતિ!

ઉતારી વસ્ત્રોને તરુવર તણી છાલ ધરું

લહું છું હું મારું અસલ રૂપ, પંખી સમ ફરું...

(9)

બધાં મૂંગાં મૂંગા ગિરિવર, ગુહા, મૌન અકળ.

ફરે સન્નાટો શો નિગૂઢ વનમાં, વ્યાકુળ પળ.

ખરેલાં પર્ણોમાં સમય કણસે, ને તરુવરો

બધાં સૂનાં સૂનાં ફલક ચિતર્યાં, ચૂપ વિહગો.

અહો કેવું છે વન! ઘડીકમાં શાન્તિ સભર

બધે વ્યાપી ગૈ છે વિધુર વનમાં પાનખર...

યુગો આવે લીલા, પરણ સમજાતા વળી ખરી

પહાડોની વાગે તનુ સમયને ધાર ક’કરી.

ખરે પત્રો ત્યારે મુજ ભીતર કૈં કૈં થઈ જતું

અને મારામાંથી સતત નીકળી કૈં વહી જતું.

છતાં ઊંડાણોમાં મુજ ભીતર કોઈ રહી જતું

શિશિરે વેરાને તડપી તડપી કો’ મરી જતું.

બધાં શોકે છાયાં તરુ નીરખું હું પાનખરમાં

ડૂબી જાઉં રાને સૂનમૂન બની દર્દસરમાં!

(10)

પહાડોમાં, ખીણે, નદી, સરતટે ને તરુવરે

ધરી નાના રૂપો પવન સમ કો’ અદૃશ્ય ફરે

ફળે શાખાઓમાં ફૂલફળ રૂપે ને ગહનમાં

વહે વ્હેળો થૈને અપરિચિત નર્યું કોણ વનમાં?

નર્યું વૈરાગી ગહન વન કોઈ ફકીરશું

અજાણ્યું માયાથી, નિજતણું નથી ભાન કશું!

છતાં ચક્રાકારે ગતિ સમયની ને જીવનની

પમાતી, પોષાતી, દૂરની ક્ષણ થાતી નિકટની.

‘કદી હું જન્મ્યો’તો’ જન વન તણા સાન્ધ્ય સ્થળમાં

મને ઘેરી લેતાં સ્મરણ શિશુકાલીન પળમાં,

કથાઓ પ્હાડોની, વન, પરી અને રાક્ષસ તણી

સૂણી’તી તે આજે મુજ ભીતર પાછી હણહણી.

વનો સેવું, પામું પુલકિત કશું હું પદપદે

જીવ્યાના અર્થોનું ગણિત રચતો હું વનપદે...

(11)

વનો જોતાં મારા અચરજ તણી આંખ ઊઘડી,

નર્યા રોમાંચોથી થનગની ઊઠે છે તનમન.

નથી કોઈ મારું સ્વજન, નથી હું નાગરજન,

ફૂટી કૈં શાખાઓ શત, શત મને પાંખ ઊઘડી.

પુરાણાં ખંડેરો અચરજભર્યાં પ્હાડ શિખરો,

વનાન્તે કૂબાઓ, પણ વિજનશાં ઘાસલ ઘરો.

અહીં ચારે બાજુ અઢળક ઢળે નીલ ગગન,

ખવાતું ખોવાતું વળી વિકસતું વૃક્ષનું વન...

મને બોલાવે છે કશુંક રમવા સોનલ પરી

નથી પ્હોંચાતું ત્યાં, તરફડી ઊઠે છે વન જરી.

અહો! દૂઝે મારા જખમ, મનમાં પીડ ઊપડે

પુરાણી માયાની, સચવઈ રહ્યું સાચ દદડે!

નથી કોઈ ઇચ્છા, વન સમ કશું કોઈ નથી

રહ્યો’તો ઝંખી હું વિગલિત થવાનું જનમથી.

(12)

બધાં ઝાંખાં કાળાં ગિરિ, તરુ અને રાત ગહન

સ્રવે જ્યોત્સના આછી, વસનસમ શો વાય પવન

રહસ્યે ઘેરેલી સકલ વસ વચ્ચે સ્વર કશા

થતાં કંસારીના, મઘમઘ ખૂલે ગંધ-નક્શા.

પણે વ્હેળો વ્હોતો, રવ તમસ ઘૂંટ્યો સ્વપનનાં

ઉઘાડી દે દ્વારો, ટમટમ શગે કિંશૂક બળે,

દ્રવી જાતું આખું વન ઘડીક, ડૂબે ગહનમાં

બધું ધીમે ધીમે વીરમી જતું, ના કૈં ખળભળે...

અચિન્ત્યો પ્હોડોમાં દવ પ્રગટતો સોનવરણો,

વહી આવે પ્હાડો મુજ ભીતરમાં; હું સળગતો.

પુરાકાળે કોઈ સઘન વનમાં હું તરુ હતો

ગયા દા’ડાઓ અવ જીવન સુક્કું ખૂટવતો!

નથી જાવું હાવાં નગર-ઘર, : સંઘર્ષ મનમાં,

પુરાણા પ્હાડોમાં ઊતરી પડવું છે ગહનમાં!

સ્રોત

  • પુસ્તક : સાતમી ઋતુ (પૃષ્ઠ ક્રમાંક 69)
  • સર્જક : મણિલાલ હ. પટેલ
  • પ્રકાશક : ચંદ્રમૌલિ પ્રકાશન
  • વર્ષ : 1988