pletone thapko - Sonnet | RekhtaGujarati

પ્લેટોને ઠપકો

pletone thapko

કનૈયાલાલ મ. પંડ્યા કનૈયાલાલ મ. પંડ્યા
પ્લેટોને ઠપકો
કનૈયાલાલ મ. પંડ્યા

(શિખરિણી)

જશું છોડી જ્યારે નગર, કઠશે રે શબદનો

અકારો ખાલીપો, લય વિરમશે અક્ષર થકી.

નિશાળી કક્કાનો કલરવ હશે માત્ર રટણા,

હશે ઠાલા ઠાલા પ્રથમવય પત્રો તરુણના.

નવોઢા કો’ જ્યારે, ઝમક પગલે, હાથ હળવે

કરી દીવો ખાલી ઘર ઝગવશે, વા સજવશે

અગાશી મુગ્ધા કો રૂપ લઈ અનાઘ્રાત ફૂલનું;

ઘરે પ્હેલુંવ્હેલું શિશુ પહેલું ટપ્પાક પડશે,

ઊગે ક્યાંથી ક્યાંથી... અવગણી શકો કેમ કવિતા?

પછી જો શેરીનો કલરવ ટળે, કે નગરના

ખૂણે ચીખે કોઈ રગતપીતિયું, કે સુખ બધાં

વળી જાયે પાછાં ઘર લગ પહોંચી, વળી કદી

થઈ કાંધે છૂટે સ્વજન નિજથી, સ્હેજ સ્મરજો.

વનોમાં હોશું ને અમથી વસશે નંદનવનો,

તમારા શ્હેરે તો પદ પદ હશે ઉજ્જડ રણો!

સ્રોત

  • પુસ્તક : ઉદ્ગીથ (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સર્જક : કનૈયાલાલ મ. પંડ્યા
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1999