pitrikanthe - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જૂની સૂકી હવડ કશી ગંધ ફેલાઈ ઊઠી

જ્યાં ચર્રાઈ કડડ ઊઘડી ભૂખરી કાષ્ઠપેટી!

પીળાં આડાં બરડ સઘળાં પૃષ્ઠ તૂટ્યાં ખૂણેથી

પોથીઓમાં હજી શ્વસી રહ્યાં કાળની કંડિકા શાં.

પીંછું કોઈ મયૂરનું નર્યું રંગઝાંયેથી રિક્ત,

પોથીમાંથી સરસરી રહે પાંદડું પીપળાનું

જાળીવાળું, કુસુમ-કણિકા, છાંટણાં કંકુકેરાં,

પૃષ્ઠે પૃષ્ઠે કર-સ્પરશથી ડાઘ આછા પડેલા

ભેદી લાંબો પટ સમયનો વર્તમાને પ્રવેશી

સર્જી લેતાં પળ-વિપળમાં સૃષ્ટિ લીલી સ્મૃતિની.

થંભી’તી જે જરઠ પશુ શા મૃત્યુના થોર-સ્પર્શે

સંકોરાઈ કણસતી નિરાલમ્બ ને ઓશિયાળી

ગુંજી ઊઠી અમુખર ઋચા સામવેદી સ્વરોની

વર્ષો પૂર્વે રણકી ઊઠતી જે હતી પિતૃકંઠે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 80)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000