
(સ્રગ્ધરા – સૉનેટ)
કાલી બોલી સુણીને વગર સમજણે હા મહીં ‘હા’ ભણું હું,
સાજી – માંદી પડે તો ફફડ ફફડતી રાતની રાત જાગું.
એનાં કાજે ખરીદ્યાં સકલ રમકડાં હું રમું હોંશભેર!
દોડે – કૂદે, પડે જો લઘુક ઘસરકો હું જ જાણે ઘવાઉં,
થાક્યાં પાક્યાં બિડાયાં ઋજુલ નયન શાં જાંબુનાં ઝાડ ભાસે!
ખાંસી ખાતાં સમાલું ટચૂકડી પરી ના જાય જાગી રખેને...
એની સંગે નચિંતે ફિલમી ધૂનમહીં હુંય મસ્તી ભરીને
નાચું – ઝૂમું, છવાઉં – ક્ષણિક બની જતી નાનકી સાવ છોરી!
ઊંચી નીચી થતી હું ક્વચિત નજરથી દૂર જાતી જરાકે,
સાહી એને નિશળે હળુક હળુ જઉં ‘ભાર’ ખંભે ઉપાડી,
“આવ્યાં પાછાં ભણી કે?!” પરિચિત મુજને પૂછતાં કૈં મજાકે!
કાચી પાકી પળોને કઠણ ઉર કરી જીરવી લૌં પરાણે,
બાળું ભોળું બિચારું મનડું સમસમે – ન્હોય આ સાપભારા,
હૈયું ઘૂંટે વ્યથા : એ શ્વસુર ગૃહ જશે, ‘શું થશે?’ અશ્રુધારા...
(‘કુમાર’ ફેબ્રુઆરી,૨૦૦૭)



સ્રોત
- પુસ્તક : ખંજન (પૃષ્ઠ ક્રમાંક 69)
- સર્જક : દેવેન્દ્ર દવે
- પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
- વર્ષ : 2007