phuutii lahun daankhalii - Sonnet | RekhtaGujarati

ફૂટી લહું ડાંખળી

phuutii lahun daankhalii

રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહ
ફૂટી લહું ડાંખળી
રાજેન્દ્ર શાહ

શત ઘુંઘરને નાદે રે વહે વનનું ધન :

થલ થલ ઊડે લીરા લીલા પાંડુર વસ્ત્રના;

અહિં ત્યહિં હજી કાયા ઢાંકી રહ્યા કંઈ તાંતણા

પખ પણ વીત્યા પ્હેલાં પામ્યા હશે વિલોપન.

કતકરી તણી કન્યા કાજે અંગનું ઓઢણ,

તૃણ પરણ કેરી વીંટેલી રહી કટિ મેખલા :

વિવિધ ફળ આસ્વાદંતી જે હશે કદિ ચંચલા

અવ ગિરિગુહા કેરું એને રહ્યું બસ પોઢણ.

અવ અધિક ના આહિં મારો મુકામ, હું આખરી

નજર મુજ માંડું રે એને નિરોધ કો નડે;

ત્યહિં દરથી ડોકંતું ભીરુ લહું સસલું, અરે

ક્યહિં થડ તણા ખૂંટામાંથી ફૂટી લહું ડાંખળી!

તકમરી તણાં ફૂલો કેરી સુગંધ હવામહીં!

ધુસર સમયે કંસારીના રમે સ્વન ર્હૈ રહી!

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં – રાજેન્દ્ર શાહનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 24)
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ