phaad jhamto - Sonnet | RekhtaGujarati

પ્હાડ ઝમતો

phaad jhamto

ઉશનસ્ ઉશનસ્
પ્હાડ ઝમતો
ઉશનસ્

અહો હે ખોવાયા પ્રિય સ્વજન! શા સાયક થકી,

તમે તીણા શાથે મધુર દરદી વાયક થકી,

ગયાં વીંધી વજ્રોપમ હૃદય આ પ્હાડી અતલ,

ફુવારો જે ફૂટ્યો, વિમલ ફૂટ્યું ગંગાતણું જલ.

વહ્યું તે ધારામાં, વહી રહ્યું અથંભ્યું જ પછી તો,

ગયાં એવું તે શું દરદ પથરે સ્થાપી અચલ,

દ્રવી મૂંગા પ્હાણો જલ થઈ રહ્યા વહૈ કલકલ?

તમે છેડ્યો'તો તો રમતમહીં જ્વાલામુખી જ, હા;

ચરુ તો લાવાના ઊકળત દ્રવે ખદ્ખદ થતો,

અરે, આ પ્હાડે જો વમન કર્યું લાવા તણું હતે —

જવા દો. આજે એ મુખની પૂરી યાદે નથી રહી,

ગયો છું ભૂલી એ ક્ષણ ક્ષતની તોયે રહી રહી

ઉનાળુ કો કાચા ઘટ સમ હજી રન્ધ્ર શતથી

ભીની માટીગંધે ઉશનસતણો પ્હાડ ઝમતો.

સ્રોત

  • પુસ્તક : સમસ્ત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 282)
  • સર્જક : ઉશનસ્
  • પ્રકાશક : કવિશ્રી ઉશનસ્ અમૃત મહોત્સવ સન્માન સમિતિ
  • વર્ષ : 1996