pathsathi - Sonnet | RekhtaGujarati

દિને-રાત્રે, આંખે રૂધિરઝર અશ્રુ નીતરતાં,

નહીં શ્રદ્ધા–આશા–વચન–જલ;દાહો ભીંજવવા.

સદા સંગાથી આ જીવનમહીં સૌને મળી રહે,

નહીં કોઈને તું જીવનપથ સહપાન્થ ગણતો.

અરે એકાકી આ ઉદધિ નિજ મસ્તી મહીં રમે,

તુફાને ગાંડો વા મુદમય તરંગો વહવતો.

ભલે આવે કોઈ ઉર પર કદી સાથ કરવા

નહીં આવે તોયે ઉદધિ નિજ ઊર્મિરત સદા.

કહીં આંબા-ડાળો ટુહૂરવ પ્રમત્તે ગજવતો,

અને હૈયાનીડે ટુહૂટુહૂ કરી સાદ જગવી

તને બોલાવે કોકિલ સુહૃદ તારો પુનરપિ;

અને કાવ્યે માગે પ્રતિધ્વનિ, તું તેનેય ભૂલતો?

અશ્રદ્ધા શ્રદ્ધા વા, નિજ હૃદય-દૌર્બલ્ય બલ વા,

દબાવી દે હૈયે, ઉદધિ પથ-સાથી તુજ થજો.

સ્રોત

  • પુસ્તક : સ્વપ્નપ્રયાણ (પૃષ્ઠ ક્રમાંક 66)
  • સંપાદક : ઉમાશંકર જોશી
  • પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની, મુંબઈ
  • વર્ષ : 1959