parirambhan - Sonnet | RekhtaGujarati

પરિરંભન

parirambhan

વિનોદ જોશી વિનોદ જોશી
પરિરંભન
વિનોદ જોશી

નખશિખ અઘોરી વંઠેલી સરાસર, રાત

સડકની વચાળે ચત્તીપાટ માંસલ ઘોરતી.

રગ રગ મહીં તાજી ત્રોફેલ સોડમ, નાભિમાં

મઘમઘ થતો લીંપ્યો ચાંદો, નિતંબ ઝળાંહળાં.

અટકળ સમું ધીમે ધીમે સર્યું કશું ભીતરે,

પડખું પસવારું હું ખાલી અડીખમ ઢોલિયો!

નજર પ્રસરે ચારે પા, માત્ર ફાનસ ગોખલે

ટગરટગ જાગે, ડૂબ્યાં ભીંતડાં ભરનીંદરે.

ઇજન દઉં કે જાગી, ઊભી થઈ અભિસારિકા

અરવ પગલે આવે, આવે પરિચિત ઘેનમાં.

ધૂસિરત બધું, લીલું લીલું, બધિર ત્વચા તહીં

નજર મીંચકારે એકાએક ફાનસ જાગતું!

શગ કરું ધીમી, સંકેલાતું બધું ઘર ગોખલે.

બથ ભરું, ભુજા બેઉ ભોંઠી પડે પરિરંભને!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 109)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000