parijat - Sonnet | RekhtaGujarati

લહુ ના ગતિ રાત્રિની, ક્ષણો

ઠરતી ઝમતી તમિસ્રમાં,

વિકસી નિજ સૃષ્ટિમાં રહ્યું

નભ જેવું ગૂઢ પારિજાત; ને

ખરતાં મૃદુબંધ પુષ્પનો

સુણતો સૌરભશેષ શો ધ્વનિ!

પમરે સ્વર સલજ્જ ત્યાં

ગ્રહવા સંનિધિ કર્ણમૂલની.

દ્રવતા અણુ પૂર્વરાગના

વિરમે કેમ અશબ્દ કંપતા?

સ્વર ધરા પરે બધે

પથરાયો કુસુમો બની બની.

કુસુમો લય થાય કાળમાં,

પ્રસરે કેવળ શ્વેત રિક્તતા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 82)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000