pal sapharni - Sonnet | RekhtaGujarati

પળ સફરની

pal sapharni

સ્નેહરશ્મિ સ્નેહરશ્મિ
પળ સફરની
સ્નેહરશ્મિ

હવે આવી પ્હોંચી પળ સફરની: સાથ કશો,

હતું જે કૈં પાસે વીસરી બધું તે છોડી સઘળું

જવાનું ક્યાં તેયે સ્મરણપટમાં આંકી જરી ના,

બધા સંબંધોથી વિમુખ બનવું: સદ્ય પળવું.

હવે ભૂકંપો કે મનુજસરજી ભીષણ વ્યથા

વિસારીને એવું ઘણુંક ઘણું ને ભાવિ ઘટના

અજાણ્યા તારાનાં અદીઠ કિરણો જેવી અકળ

તમા ના તેનીયે કશીય કરવી: વિસ્મૃત થવું.

હવે આવી પહોંચી પળ અગમ તે: શબ્દ વિરમ્યા,

શમ્યા આવેગો સૌ: વિહગ નિજ નીડે ઠરી ગયાં,

કો ચિહ્નો કયાંયે: પથ નજરે કોઈ પડતા,

સરે દૂરે દૂરે પરિચિત પુરાણી સ્મૃતિ બધી,

અજાણી આવે કો લહર કહીંથી વીંટી વળતી

જાણું ક્યાં દોરે સ્થળસમયસીમારહિતમાં!

સ્રોત

  • પુસ્તક : સકલ કવિતા (પૃષ્ઠ ક્રમાંક 374)
  • સર્જક : સ્નેહરશ્મિ
  • પ્રકાશક : વિદ્યાવિહાર પ્રકાશન
  • વર્ષ : 1984