pajawni - Sonnet | RekhtaGujarati

થયો ઝાઝો એને સમય પણ, જ્યારે પ્રણયમાં

વફાદારી તૂટ્યું અલગ થયાં બેય ઝઘડી.

છતાંયે તે આજે પથ ઉપર ક્યારેક તમને

જતાં જોઉં ત્યારે હૃદય હળવેથી ધબકવું

જતું ભૂલી, શાને? ઘર તરફ છેલ્લી ‘બસ’ વિશે

જઉં રાત્રે ત્યારે પથ પર તમારું ઘર હજી

નિહાળી લેવાને નજર કરતો બ્હાર, શીદને?

કરાવે છે કોઈ પરિચય મને સ્હેજ મલકી

તમારાં નામેરીસહ, અવશ આંખો, હૃદય

વિવેક ચૂકે કાં?; કદીક નવરાશે, ફુરસદે

કબાટે, ફંફોસ્યે ગડવળી ગયો પત્ર નીકળ્યે

અચિંત્યાનો શાને ગહનજલમાં હું સરકતો?

મને આવું પૂછી હૃદય પજવે નિત્ય, તમને

તમારું હૈયું શું કદીય પજવે આ...મ ?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 85)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000