paheli raat ma ni - Sonnet | RekhtaGujarati

પહેલી રાત મા-ની

paheli raat ma ni

રક્ષા દવે રક્ષા દવે
પહેલી રાત મા-ની
રક્ષા દવે

‘‘દીવાની વાટ થોડી રજનિ—સમયમાં રાખજો આજ મોટી,

સૂતેલો પાસ બાબો રુદન પણ કરે, તેડવો કેમ રાતે?’’

—એવું બોલી જનેતા નવજનિત તણું મોં રહી તાકતી—

‘‘કોના જેવો દીસે આ? —નયન અધર તો એમનાં લેઈ આવ્યો.

સૂતો છે લાલ નાનો, બહુ મમ પડખે, આંખ મીંચી મજાની;

લાગે છે ખૂબ મીઠી નવીન બહુ મને આજની રાત મારી.

‘‘મારો બાબો’’ –હું બોલું ‘સરસ શિશુ કહો કોનું છે?’ –કો પૂછે તો.

મેં એને જન્મ આપ્યો; નહિ નહિ, મુજને મા એણે બનાવી.

કેવા મીઠા અવાજે નિજ જનમ તણી જાણ દેતો બધાંને

જનમ્યો ત્યારે રડ્યો’તો! અરવ રજનિમાં એવું પાછું રડી દે—

તો પાઉં ગોળપાણી, રુદન શમે તો ધરું ઉર કેરાં

ઊનાં ઊનાં જરી મધુર પય મુખે, ને હું માતૃત્વ માણું.’’

સૂતી એવું વિચારી પણ રુદન તણી નીંદમાં ભ્રાંતિ પામી

ઓષ્ઠેથી ચુંબનોનો મૃદુરવ કરતી મા ઘણી વાર ઊઠી.

સ્રોત

  • પુસ્તક : સૂરજમુખી (પૃષ્ઠ ક્રમાંક 164)
  • સર્જક : રક્ષા દવે
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1979