પ્રશ્ન
prashna
ઉમાશંકર જોશી
Umashankar Joshi
‘છે મારું કો અખિલ જગમાં?’ બૂમ મેં એક પાડી :
ત્યાં તો પેલી ચપળ દીસતી વાદળી જાય ચાલી,
દોડ્યો વ્હેળો વહનગીતમાં પ્રશ્ન મારો ડુબાવી,
ને આ બુઢ્ઢો વડ પણ નકારે જ માથું હલાવી.
સુણ્યા સાથે ગિરિય પડઘા પાડીને ફેંકી દેતો
બીજા પ્હાડો તણી કુહરમાં વેણ, હૈયે ન લેતો.
તારા લાગે બધિર, વીજળી પૂછવા દે જ છે ક્યાં?
ત્યાં પૃથ્વીનાં સ્વજન તણું તો નામ લેવું પછી કાં?
છેલ્લે પૂછ્યું રુધિરઝર પાણીપોચા હયાને :
‘વ્હાલા, તું તો મુજ રહીશ ને? છો જગે કો ન મારું.’
ને એ દંભી શરમ તજી ક્હે : ‘તું ન માલેક મારો,
હું તારામાં વસું અવર કાજે.’ – ખિજાયો, વિચાર્યું :
બીજાં કાજે વસતું મુજમાં?! તો મદર્થે બીજામાં
હૈયા વાસો નહિ શું વસતાં કૈં હશે સ્નેહભીનાં?
(ઑગસ્ટ ૧૯૩૦)
સ્રોત
- પુસ્તક : સમગ્ર કવિતા (પૃષ્ઠ ક્રમાંક 29)
- સર્જક : ઉમાશંકર જોશી
- પ્રકાશક : ગંગોત્રી ટ્રસ્ટ, અમદાવાદ
- વર્ષ : 1981