paankharnii sandhyaa - Sonnet | RekhtaGujarati

પાનખરની સંધ્યા

paankharnii sandhyaa

રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહ
પાનખરની સંધ્યા
રાજેન્દ્ર શાહ

ત્યારે હતું ગગન પશ્ચિમ રંગહીન.

ને પૌરગોષ્ઠ થકી જે પ્રગટેલ ધૂમ્ર

એનાથી અંતરિખ આછું છવાયું કૃષ્ણ :

પ્રાચીમહીં ક્યહીં તારકનુંય ચિહ્ન.

ને બીડના વિરલ વૃક્ષની ડાળ સર્વે

નિશ્ચેષ્ટ, એક પણ જ્યાં નહિ નીલ પર્ણ :

જ્યાં તેજ-સૂર-થકી વંચિત નેત્ર કર્ણ

ત્યાં મૌન શૂન્યતણું સ્પર્શતું મર્મ મર્મે.

એવે અબાબિલ ક્યહીં થકી ઊર્મિ-વેગે

શાખા પરે ઊતર્યું જ્યાં નિજ નીડ છદ્મ;

કિલ્લોલતાં વિહગ-શાવક શાં પ્રસન્ન!

(એ વૃક્ષનું ઉર... કાનન કેરુંયે તે.)

આંહીં હવામહીં તરંગ તરંગ દોલ,

ને તારક દ્યુતિથી સ્પંદિત શું ખગોલ!

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં – રાજેન્દ્ર શાહનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 20)
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ