milan kshananun - Sonnet | RekhtaGujarati

મિલન ક્ષણનું

milan kshananun

જશભાઈ કા. પટેલ જશભાઈ કા. પટેલ
મિલન ક્ષણનું
જશભાઈ કા. પટેલ

(શિખરિણી)

મને જોતાં તારું ઉર અનુભવે સ્પંદન, સખિ!

અચિંત્યું; મારાથી લગીર પણ તું જ્યાં છુપવવા

મથે ત્યાં, અંગાંગે પ્રતીત સઘળાં થઈ જતાં!

રસીલા ઓષ્ઠોએ સ્મિતમધ મીઠું જાય ઊભરી,

અને કંપી ઊઠે શરીર સઘળું સંભ્રમવતું;

મદીલાં તારાં કૈં નયન ઉરનાં બિમ્બ ઝીલતાં

ઊઠે નાચી, કિન્તુ પલકમહીં પાછાં સ્થિર થઈ,

જતાં લજ્જાભારે ધરતીશું જડાઈ બસ ત્યહીં!

ગમે જોવી કાયા લલિત તેજ સંભ્રમવતી

મને વારે વારે; મુજ હૃદયની ને શરીરની

સ્થિતિ જો કે તારા સરખી થતી તારા દરશને!

ભલે મારુંતારું મિલન ક્ષણનું, કિન્તુ જગવે

ઉરોર્મિ એવી કે મુજ હૃદયને ઉન્નત કરે!

સ્રોત

  • પુસ્તક : પ્રત્યૂષ (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સર્જક : જશભાઈ પટેલ
  • પ્રકાશક : ચારુતર પ્રકાશન
  • વર્ષ : 2006