nayannir - Sonnet | RekhtaGujarati

ભગીરથ તણી ફળી ચુગ યુગોની આરાધના,

અને અવતરી યદા પુનિત ધાર ગંગાતણી,

સમુદ્ધરણ કાજ પૂર્વજતણાં, ગયાં આથમી

તમિસ્ર ઘન ઘોર એક પુરુષાર્થની જ્યોતિમાં,

તદા નયનનીરની હરખધાર તેની સરી. પ

પરંતુ સહસા જ એ સુતનુ ધારને રુંધતી

મહેશ્વર તણી તહીં જટિલતા જટાજૂટની;

અને નયનનીરની પલટી ધાર નૈરાશ્યમાં.

ઉમા તહીં હસી જરી, ‘અવ જવા દિયોને પિયુ!’

કહી કર અડાડતાં; તહીં જ ધાર ગંગાતણી ૧૦

વહે, સ્મિત ધરી ઉરે શિવસતીતણાં શોભન.

ભગીરથ તણાં લસે નયનનીર ત્યાં હર્ષમાં

સખી! નયનનીર યે મુજ વિષાદઘેરાં કદા

જશે પલટી નીરમાં સતત એક આનન્દનાં?

ર ડિસેમ્બર, ૧૯૩૪

સ્રોત

  • પુસ્તક : આરાધના (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સર્જક : મનસુખલાલ ઝવેરી
  • પ્રકાશક : આર. આર. શેઠ
  • વર્ષ : 1939