નથી સ્વપ્ને જાવું
nathii svapan jaavun
સુન્દરમ્
Sundaram

ચલો સ્વપ્ને, વ્હાલી! જટિલ જગ આ જાગૃત તજી,
જહીં મારાં ચાહ્યાં જન અલગ આઘાં, નવ ચાહ્યાં
પડ્યાં પાસે, મારાં ઉપર દરદ જાયે નવ કહ્યાં,
વિધાતા! શેં આવી કુટિલ જગજંજાળ સરજી?
ચલો સ્વપ્ને, ત્યાં હુ પ્રણય છલકાતો તવ પદે
ધરી ઊર્મિચ્છંદે, બહવું રસગંગા હું નવલી,
ન આવે પૃથ્વીનાં કુટિલ દૃગ ત્યાં ઢૂંઢી પગલી,
ચલો સ્વપ્નવ્યોમે વિહરશું મહા પ્રેમળ મદે.
જશું સ્વપ્ને ત્યારે? નહિ, ક્ષણ જ ત્યાં માત્ર ઠરવું,
અરે, મારે તો આ સભર ભરવું જીવન રસે;
નહિ સ્વપ્ને સિદ્ધિ, મધુરતમ ત્યાં વૃષ્ટિ વરસે
ભલે, અંતે તો હ્યાં વિવશ થઈને છે ઊતરવું.
નથી સ્વપ્ને જાવું, મુજ વણચહ્યાંને ચહીશ હું,
તમો ચાહેલાંને મુજ કરીશ, જંપીશ તવ હું.



સ્રોત
- પુસ્તક : સુન્દરમનાં સવા સો કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 32)
- સંપાદક : પ્રસાદ બ્રહ્મભટ્ટ
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2007