nathi nirakhwo shashi - Sonnet | RekhtaGujarati

નથી નિરખવો શશી

nathi nirakhwo shashi

સુન્દરમ્ સુન્દરમ્
નથી નિરખવો શશી
સુન્દરમ્

નથી નિરખવો શશી, શરદનો ભલે ને હજો,

ભલે વિહરતો લસી ગગનમણ્ડલે પૂર્ણ એ.

તુરંગમહીં બદ્ધ આ જન અમે અહીં જે ખડા

પ્રફુલ્લ શશીની છટા ઉતરતી તહીં ચોકમાં

નિહાળી સળિયા થકી નયન ઠારશું; રે, હવે

નથી વદન ચન્દ્રનું નિરખવા જરાકે સ્પૃહા,

ભલે જગત માણતું રજતરેલ એની સુખે

અમારું દિલ એહનો નહિ ચહે-સહે સ્પર્શ, રે!

કશે વ્યરથ ચાંદની-રસિત રંગમાં મ્હાલવું,

યદા હિ અમ સંગ કોઈ દિલદાર જો છે નહિ? ૧૦

કશે વ્યરથ ચન્દ્રનું વદન ખાલી જોવું, યદિ

ન સંગ અમ છે જ ચંદ્રવદના અમારી? પછી

શશી થકી ય પૂર્ણ ફુલ્લ મુખ એ સ્મરી ને સ્મરી

કશે હૃદય બાળવું?

નિરખવો નથી રે શશી!

સ્રોત

  • પુસ્તક : વસુધા (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સર્જક : સુન્દરમ્
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1939