રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
નમું
namun
સુન્દરમ્
Sundaram
નમું તને, પથ્થરને? નહિ નહિ
શ્રદ્ધાતણા આસનને નમું નમું :
જ્યાં માનવીનાં શિશુ અંતરોની
શ્રદ્ધાભરી પાવન અર્ચના ઠરી,
કે મુક્ત તલ્લીન પ્રભુપ્રમત્તની
આંખો જહીં પ્રેમળતા ઝરીઝરી.
તું માનવીના મનમાં વસ્યો અને
તને ય આ માનવ માનવે કર્યો;
મનુષ્યની માવનતાની જીત આ
થયેલ ભાળી અહીં તેહને નમું.
તું કાષ્ઠમાં, પથ્થર વૃક્ષ સર્વમાં,
શ્રદ્ધા ઠરી જ્યાં જઈ ત્યાં બધે જ તું.
તને નમું, પથ્થરને ય હું નમું,
શ્રદ્ધાતણું આસન જ્યાં નમું તહીં.
(અંક ૧૨૪)
સ્રોત
- પુસ્તક : કુમાર : પ્રથમ વીસીનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 51)
- પ્રકાશક : કુમાર કાર્યાલય લિમિટેડ
- વર્ષ : 1991