nakhuda - Sonnet | RekhtaGujarati

(શિખરિણી)

વહે વેગે નૌકા સરલ સરતી સિન્ધુ ઉપરે,

તરંગો ને તારા પળપળ મીઠાં ગાન ઊચરે;

રમે, ખેલે, પેલાં ગભરુ બટુકો ગમ્મત કરે,

પ્રવાસી આનન્દે અહીં તહીં ફરે તૂતક પરે!

નહીં ચિન્તા કોને, સ્થળ સમય બાધા નહિ કરે,

બધે હૈયે કેવી સ્મિત લહરીઓ રમ્ય વિલસે!

અરે! કિન્તુ પેલાં ક્ષિતિજ પરથી વાદળ ધસે,

બની ગાંડો અબ્ધિ ઊલટી સહસા તાંડવ કરે!

ડૂબી જ્યોત્સ્નારાણી વિરમી ગયું હાસ્ય ઊજળું,

ધ્રૂજે ભીરુ સર્વે નિમિષ મહીં શું ચિત્ર પલટ્યું!

પરંતુ પેલો ત્યાં તૂતક ઉપરે સૌમ્ય ગિરિ શો,

ઊભો છે નાખુદા : થીર, અડગ, ગંભીર, અટૂલો!

ઉષા સન્ધ્યા એને દિવસ રજની એકસરખાં

રહ્યો જોઈ જાણે જગ અખિલ એક ધ્રુવમાં.

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 92)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941