nakhi sarowar upar sharat purnima - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નખી સરોવર ઉપર શરત્ પૂર્ણિમા

nakhi sarowar upar sharat purnima

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
નખી સરોવર ઉપર શરત્ પૂર્ણિમા
ઉમાશંકર જોશી

પેલી આછા ધૂમસ મહીંથી શૃંગમાલા જણાય,

નામી નીચાં તટતરુ ચૂમે મંદ વારિતરંગ,

વ્યોમે ખીલ્યા જલઉર ઝીલે અભ્રના શુભ્ર રંગ;

સૂતું તોયે સરઉદરમાં ચિત્ર કાંઈ વણાય.

વીચીમાલા સુભગ હસતી જ્યાં લસે પૂર્ણ ચંદ;

શીળી મીઠી અનિલલહરી વૃક્ષની વલ્લરીમાં

સૂતી'તી તે ઢળતી જલસેજે મૂકે ગાત્ર ધીમાં,

સંકોરીને પરિમલ મૃદુ પલ્લવપ્રાન્ત મંદ.

ત્યાં તો જાણે જલવિધુ તણા ચારુ સંયોગમાંથી

હૃતંત્રીને કુસુમકુમળી સ્પર્શતી અંગુલિ કો.

અર્ધાં મીંચ્યાં નયન નમતાં ગાન આવ્યું ક્યાંથી?

એકાન્તોમાં પ્રકૃતિ કવતી મંજુ શબ્દાવલિ કો.

એવે અંતઃશ્રુતિપટ પરે ધન્ય મંત્ર રેલે:

સૌન્દર્યો પી, ઉઝરણ ગાશે પછી આપમેળે.

[માઉન્ટ આબુ, ઑક્ટોબર ૧૯ર૮. (નિથીશ)]

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ ઉમાશંકર (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2005