રૂપાંતર
rupantar
ભાનુપ્રસાદ પંડ્યા
Bhanuprasad Pandya

ઉપાડી સાઠીના વયની ગઠરી, ગામ તરફ
વધું ધીરેધીરે વતનપથપે આગળ તદા
લહું : આજુબાજુ તરુ વિરલ, પાકાં ઘર દિસે
ધસ્યાં આગે, પાછાં ખસી બહુ ગયાં ખેતર પણે!
નદીથી વારિનું મલમલ સર્યું, બાવળતણી
કપાઈ ઝાડી ઘેઘૂર, કિચૂડતી વાડી પરથી
હટાવી દોહાને ભખભખ હસે ચક્ર સઘળે!
નિહાળું ત્યાં ઊભો વડ સઘન, લાંબી શત ભુજા
કરીને નિમંત્રે, હજીય ઝૂલતી ડાળ નીચલી
છલાંગું છોરૂ થૈ નવ વરસનું? અન્ય સવળી
રહે ધૂળે ભાર્યાં ગતિલ પગલાં? શી કલબલી
રહી છાયા?! આખો વડ હલબલે – વાનર લીલા!
ખરે નીચે ટેટા ‘ટપટપ’ થતા કૈં ઉપરથી?
ખસે ભેળો બોજો કંઈક દસકાનો શરીરથી!



સ્રોત
- પુસ્તક : શબ્દે કોર્યાં શિલ્પ (પૃષ્ઠ ક્રમાંક 61)
- સર્જક : ભાનુપ્રસાદ પંડ્યા
- પ્રકાશક : પોતે
- વર્ષ : 1999