ekoऽhan bahusyam - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

एकोऽहं बहुस्याम्

ekoऽhan bahusyam

સ્નેહરશ્મિ સ્નેહરશ્મિ
एकोऽहं बहुस्याम्
સ્નેહરશ્મિ

જ્યોતિશૂન્યે, દિશાશૂન્યે, કાલાતીત મહા તમે,

યોગનિદ્રા થકી જાગી એકલા વિભુ નિર્ગમે!

ઘૂમે બધે તિમિર ઘોર કરાળ ફાળે,

રાત્રિ નહિ, દિવસ ના, ધબકે કાળે!

એકાન્ત નીરવ બધું, નહિ જ્યેાતિહાસ્ય,

એકાકી મૂક કરતો વિભુ મન્દ લાસ્ય!

ત્યાં ‘એકોહ્મં બહુસ્યામ્ 'નું સ્વપ્ન, મંગલ, મંજુલ,

જાગતું વિભુને હૈયે પ્રશાન્ત, સૌમ્ય, નિર્મલ!

સ્વપ્નના ઉર થકી પ્રગટી હુતાશ,

કમ્પાવી તે તિમિર ઘોર કરે પ્રકાશ!

ને શૂન્યનું ઉર તૂટી પડી ખંડ ખંડ

સીમા ઊગે ગગન શબ્દ ઘૂમે પ્રચંડ!

તમરૂપ હતો પૂર્વે, જ્યોતિરૂપ બન્યો પ્રભુ!

નિહારિકા-ઉરે ખેલે રાસલીલા નવી વિભુ!

છલ છલ છલકે તે તેજના ભવ્ય સિન્ધુ,

ત્રિભુવન ભરી જાણે ખેલતા કોટિ ઈન્દુ,

અગણિત રિવ જન્મી ધૂમતા તેજફાળે,

ગ્રહ ઉપગ્રહ જાગી ઝૂલતા વિશ્વડાળે!

તારાઓનાં વનો ડોલે, વચ્ચે મન્દાકિની વહે,

એકમાંથી અનેકોની લીલા તે વિકસી રહે!

તણખા સૂર્યના ઊડી જન્મતાં વસુધા ગ્રહો,

વહ્નિની ઝુંડઝાડીમાં ફૂટતી પ્રાણ-કૂંપળો!

પ્રથમ સૃજનની તે ભવ્ય જ્યોતિ નિહાળી

પુલકિત વિભુ નેણે હર્ષની રેલ ચાલી!

મૃદુ નયન-સુધા તે દિગ્દગન્તે વિરાટે

ઝરમર વરસે ને નર્તતી પૃથ્વીપાટે!

આનન્દઘેલી પૃથ્વીએ અબ્ધિનુ ધરી દર્પણ

નિમંત્ર્યા વિભુને હૈયે ગુંજીને સ્નેહસ્વાર્પણ!

ઉલ્લાસે વસુધા કેરી આંખમાંથી સુધા ઝરે,

બુઝાવી વહ્નિજ્વાલા તે સાહી રહે વારી-અંબરે!

ઘેરા અબ્ધિ તણા પ્રશાન્ત ઉરના વારિ તણા દર્પણે

જોતાં વિષ્ણુ પ્રફુલ્લ આત્મ-પ્રતિમા આનન્દઘેલા બને;

ચારે હસ્ત પ્રસારી સાગર પરે ઉમા કરી શાન્ત તે

નિ:સીમે રમતા વિરાટ ઉરમાં લ્હેરો નવી થન્ગને!

જન્મ ને મૃત્યુને ભવ્ય હીંચકે ઝૂલતા પળે

મત્સ્યાવતાર રૂપે તે સ્વયંભૂ પૃથિવી પરે!

નાચે સિન્ધુતરંગ, ઇન્દુ મલકે, નાચે દિવા ને નિશા,

જાગે નૂતન પ્રાણ ગાન મધુરાં જાગી કરે સૌ દિશા!

એકે કૈં બનીને અનેક રમતા વિશ્વેશ પાછા તહીં,

સ્વપ્ના દિવ્ય નવાં નવાં ઉર ઝીલી હર્ષે ગજાવે મહીં!

તરંગા જાગતા મોટા સિન્ધુને ઉર હર્ષના,

વીંઝી જોજન શું પુચ્છ કરે કે મત્સ્ય ગર્જના!

ના ચહે વારિનાં માત્ર ઘેરાં ગાન વિરાટ તે,

માંડે સ્વપ્નભરી દૃષ્ટિ દૂર દૂર ધરા પરે.

સ્મિતે ભરી તે મુદિતા વસુન્ધરા-

ઉરે સ્ફુરે કોમલ સ્નેહના ઝરા!

પળે પળે તે વિભુને નમે લળે

તટે તટે ત્યાં પ્રભુ કૂર્મ થૈ ફરે!

ઘડીમાં તટ પે નાચી, ઘડીમાં ડૂબતા જળે,

કૂર્મ તે સ્નેહની ગાંઠે અબ્ધિ ને ભૂમિને જડે!

યુગો યુગો એમ વહે અને બને

અનેક ત્યાં એક થકી ક્ષણે ક્ષણે;

પ્રફુલ્લ, રોમાંચ થકી તૃણે તૃણે

ધરા નવી સોહતી શ્યામ અચલે!

યુગો કલ્પો ઊગે ડૂબે મત્સ્ય કૂર્મ ધરા ભરે,

કન્દરા ગિરિઓ જાગે, પૃથ્વીની વેલ પાંગરે!

સિન્ધુમાં ને તટે ખેલી ધબકતાં ઉરો સમાં

ધરાનાં ગિરિશૃંગોને ઉલ્લાસે વિભુ ઝંખતા.

વરાહ બનીને વિરાટ જગ તોળતા દન્ત પે

ગજાવી ગિરિગહ્વરો વનવનો પળે ભૂ પરે

નિહાળી અતિ ભવ્ય તે હિર તણી નવી મૂરતી

ઊઠે થનગની ધરા, ચકિત વ્યોમગંગા થતી!

ચાલે ત્યાં તો ખરીમાંથી પ્રાણના તણખા ઊડે,

વરાહ-ગર્જના ઝીલી આનન્દે ધરતી ડૂબે.

સ્ફુરે, વિકસી ત્યાં રહે જડ શિલા-ઉરે સ્પન્દનો,

ઊઠે ખીલી કઠોરમાં મૃદુ ફૂલો, અને વન્દનો

કરી વિટપ સૌ ધરે વિરલ અર્ધ્ય, ને વ્યાપતી

ધરા-વદન લાલિમા મૃદુલ સ્નિગ્ધ મુગ્ધા તણી!

ધરતીને ઉરે કેડી નવજીવનની પડે,

યુગ યુગો સુધી ભોમે વરાહે હરિ સંચરે!

નૃસિંહ રૂપે અવતાર ધારી.

નખે મહા દિવ્ય પ્રભા જગાડી,

પ્રહ્લાદ કાજે મનુજન્મ કાજે

વિરાટ તે બદ્ધ થતો ચાલો!

નૃસિંહ ઘૂમતા ભોમે ઉષા, સન્ધ્યા દિવા, નિશા,

હૈયામાં નીરવે સૂતી જાગવા ઝંખતી ગિરા.

પ્રચંડ શબ્દો નભને ધ્રુજાવે,

દિગન્ત હૈયે લહરો સ્ફુરાવે;

વને વને કુંજલતા ગુહામાં,

નૃસિંહ વ્યાપે સઘળી દિશામાં!

છોડીને શૂન્યની શય્યા, વહ્નિ ને વારિમાં રહી

પૃથ્વીને પાટલે ખેલી ગુહામાં વિભુ રહે વસી!

દેહ કેરી લીલામાં ખેલતા વિભુને ઉરે

સૂક્ષ્મ ને કોમલે તત્ત્વે બંધાવા કામના સ્ફુરે!

વિમલ ઉજજવલ કૌમુદી રેલતી,

વનવને સૂતી મંજરી લ્હેરતી,

પરિમલે વસુધા મુદિતા ઝૂલે,

નયન વામનનાં નમણાં ખૂલે!

વિજન તે ધરા કે ઘેરાં ગીચ વને વને,

ધરી વામનનું રૂપ મનુજે હરિ સંચરે!

કનક કુંપળ ગાઢ તમે ખીલે,

મન તણી નવી જ્યોત જગે વહે!

જગ-ઉષા મનુબાલ-સુધા ઝીલે,

દશ દિશા કવિતા છલકી રહે!

ક્યાં તે વિરાટ કાયા ને ક્યાં તે નાજુક માનવી?

વામને કલ્પ કલ્પાન્તે પ્રભા પુન: ઝગે નવી!

દંત ને નખને સ્થાને પરશુ કર ધારતા

પરશુરામ રૂપે તે પૃથ્વી પે હરિ રાજતા.

કલ્પના વિકસતી પળે પળે,

અસ્ત્ર-શસ્ત્ર-યુગ આદિ તે ઝગે,

ચેતનાદ્યુતિ સમા સ્થળે સ્થળે

ગોત્રબદ્ધ મનુજો ઘૂમે જગે.

પ્રતિબિમ્બ મહી મોહ્યો ભ્રમ ડૂબ્યો પછી તહીં,

વિકાસ-પંથ શોધીને નવા નવા રમે હરિ!

કુંજ કુંજ સરિતા તટે તટે

ઘૂમતા પરશુરામ ભૂમિ પે,

આદિ તે તિમિર કમ્પનું નભે,

પૃથ્વીની પરશુએ પ્રભા દીપે.

દિને દિને વધી ફાલી માનવવેલ મ્હોરતી,

પરશુરામને સાદે ધરતી આખી ડોલતી,

સ્ફૂર્તિ પરશુની વાધે વિકાસ ઝંખતી રહે,

તેજના પુંજ શા રામ શિવધનુ કર ગ્રહે!

સ્નેહજ્યોતિ વિધુવદન તે રામ ઉલ્લાસમંત્રે

છૂટાં છૂટાં મનુતનુજને ગૂંથતા એક તંત્રે!

પૃથ્વી-હૈયે યુગયુગ સૂતી વિશ્વનાં સ્વપ્ન જેવી

સીતા જાગે, કૃષિપુલકિતા જાગતિ ભૂમિદેવી!

ગોત્ર, કુટુમ્બ ને ગ્રામો, કૃષિ, સંસ્કૃતિ ખીલવી

રામચન્દ્ર કરે સ્થાયી ભમતાં નિત્ય માનવી!

અબ્ધિહૈયે કુસુમ સમ કૈં પથ્થરોયે તરાવી,

ખંડેખંડે વિચરી કરતા રાય તે વીર્યશાળી

કાન્તારોમાં, વિજનપથમાં, સંસ્કૃતિ દીપમાળા—

ને સૌંદર્યે ધરતી વિલસે જેમ કો મુગ્ધ બાલા!

વાલ્મીકિ રચતા પ્હેલું વિશ્વનું કાવ્ય ઉજજવલ,

સંસ્કૃતિની ઉષા ભામે જાગતી દિવ્ય નિર્મલ!

૧૦

સમાજસ્થાપના કેરું પ્રભાત વિલસે જગે,

મુક્તા-પુંજ ઉરે જાણે ઊર્મિલા કૌમુદી ઝગે!

ઝૂલે વ્યોમે ઊંડે કમલ સમ જાણે નવશશી,

રહે વા જે રીતે શરદ નભમાં સ્વપ્ન વિલસી,

સ્ફુરે એવાં ગાનો ઉભય યમુનાતીર ગજવી

બજે બંસી ઘેરી મુદિત નીરખે કૃષ્ણ પૃથિવી!

કલા ને કવિતા જાગે, જાગતાં ગોપગોપિકા

ગીતાનાં ગાનમાં ઝૂલે, વિશ્વની મુગ્ધ રાધિકા.

રમી ચક્ર શંખે ત્રિભુવન ભરી ચેતન થકી,

ગણો ને રાજ્યોના ગગનભરતા ઘુમ્મટ રચી,

રમાડી ગોપાલો નગરજનને મુગ્ધ કરીને

જગાડે બંસીથી નિશદિન ઘૂમી કૃષ્ણ મહીને!

મહાભારત કેરું તે વ્યાસ કાવ્ય રચે મહા!

જગને અન્તરે સાહે કૃષ્ણની ભવ્ય તે પ્રભા!

૧૧

વહે ઘેરાં ગાને છલછલ થતી જીવનનદી,

રહે કુંજો કુંજો મૃદુ મનુજને શ્વાસ પમરી,

ધનુષ્ચક્રે શંખે ભરી જીવનથી બાલવસુધા,

ત્યજી શસ્ત્રો અર્પે હરિ હૃદયની મંગલ સુધા.

વહે વ્યોમે રેલી પ્રણય-અમૃતે દેવ-સરિતા,

સ્ફુરે ભોમે દિવ્યા હૃદય-અમૃતે સ્નેહ-કવિતા,

જુએ જાગે વન્દે સકલ વસુધા ભક્તિ-મુદિતા,

દિશા ગાજે ગાને ઉરઉર ઝગે બુદ્ધસવિતા.

અહો! વિશ્વ કેવી પરમ વિભુની જ્યોતિ નીતરે!

બધાં પંખી પ્રાણી મનુઉરતટે આવી વિરમે!

મહા તેજે ભોમે મનુજ તરણી શાન્ત સરતી,

ભુલાવી ભેદો સૌ વિચરતી ગિરા શાક્યમુનિની.

માનવી માનવીઓ ને માનવેતર જીવની

બન્ધુતાની ઉષા ભામે બુદ્ધને વદને ઝગી!

૧ર

સ્નેહ સૌન્દર્ય ને શાન્તિ વિશ્વસંઘ તણાં સ્ફુરે

સ્વપ્નો કૈં ભાવનાભીનાં સ્વચ્છ માનવના ઉરે!

બ્રહ્માંડે કલ્કિ કેરાં નયનઅમૃતથી પ્રાણના ધોધ છૂટે,

ખંડે ખંડે પ્રચંડા મનુજ-સરજી તે ભૂમિની પાળ તૂટે;

વ્યાપે ભોમે દિગન્તે અણુઅણુ ભરતી કલ્કિની ભવ્ય પ્રજ્ઞા,

નક્ષત્ર ને ગ્રહો સૌ ચકિત બની જુએ સૌમ્ય તે જ્ઞાનમુદ્રા!

પ્રજ્ઞાતણો ઝગે ભાનુ કલ્કિ અવતરે જગે

અન્તર્દષ્ટિ બની લોકો તેજના પુંજમાં રમે!

લ્હેરે, ચોપાસ લ્હેરે, અણુઅણુ ધબકે કલ્કિ રૂપે વિરાટ,

પ્રજ્ઞાના કોટિ સૂર્યો ઝળહળ ઝળકે પ્રાણને શાન્ત ઘાટ!

ડોલે, બ્રહ્માંડ ડોલે, નિશદિન છલકે પ્રાણને સિન્ધુ ગાને,

લીલાઅંકે શમાવી હરિ હૃદય-તૃષા બીડતા નેત્ર ધ્યાને.

લીલા પૂર્વે મહા શૂન્યે, તમરૂપ હતો પ્રભુ,

લીલા અન્તે મહા છન્દે, પ્રજ્ઞારૂપ બન્યા વિભુ!

સ્રોત

  • પુસ્તક : સકલ કવિતા (પૃષ્ઠ ક્રમાંક 87)
  • સર્જક : સ્નેહરશ્મિ
  • પ્રકાશક : વિદ્યાવિહાર પ્રકાશન
  • વર્ષ : 1984