mrugjal - Sonnet | RekhtaGujarati

મૃગજળ

mrugjal

ઉશનસ્ ઉશનસ્
મૃગજળ
ઉશનસ્

વસંતે ચાહેલું મધુર મુખ કૂણું કૂણું મને

હવે આ વૈશાખે પ્રણયફળની સાખ સરખાં

ભીનાં પાકાં જાણે ગલસમ મૃદુ સ્નિગ્ધ નયને

રહે તાકી મૂંગું કરુણું કરુણું કૈંક પૂછતાં;

અરે, આ ચ્હેરાએ મુજ જીવન ચોમેર ફરતી

કશી ફેંકી જાળો તનુ નજરના તંતુથી વણી!

મને તાણે વાણે સીવી લીધ — ગૂંથી લીધ જકડી

ગમે તે બાજુએ નીરખું, પણ ચ્હેરો મુજ ભણી!

તને આ ચ્હેરાને મુજ તરફથી માફ સઘળું

સદા માટે; મારી તરફ અવ લે, થોડું હસ તો,

મને ક્યારે તારો વળી હૃદયમાં વાંક વસતો?

હું કેવી રીતે આ ગમગીની તહારી દૂર કરું?

પરોવી અંગુલો અલક, ઊંચકી આસ્યકમળ

નમું હું જ્યાં...

સામે તરવરી રહે રે મૃગજળ.

સ્રોત

  • પુસ્તક : સમસ્ત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 277)
  • સર્જક : ઉશનસ્
  • પ્રકાશક : કવિશ્રી ઉશનસ્ અમૃત મહોત્સવ સન્માન સમિતિ
  • વર્ષ : 1996