mor - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કલાપ નિજ પિચ્છનો વિવિધ વર્ણ ફેલાવતો,

પ્રસન્ન નીરખે વિશાળ નિજ વિસ્તર્યા દર્પને

(સદા સુલભ છાંય પ્રખર ગ્રીષ્મમાં સર્પને);

પ્રમત્ત નિજ કંઠનો મધુર સૂર રેલાવતો

મથે નભ વલોવવા, ગજવવા ચહે સૌ દિક;

સવેગ નિજ બેઉ પાંખ વચમાં વળી વીંઝતો,

અને નિજ છટા પરે સતત રહે સ્વયં રીઝતો;

અહં પ્રગટતો હોય કવિ કોઇ રોમૅન્ટિક.

વિલાસપ્રિય સર્વ દૃષ્ટિ વરણાગથી આંજવી,

હિલોલ નિજ લોલ દેહ ગતિમાં લિયે, સર્વને

નિમંત્રણ દિયે ઉદાર ઉર, માણવા પર્વને;

અનન્ય રસ રૂપ રંગ સ્વરસૃષ્ટિનો રાજવી.

મુરાદ મનની છતાં અતિવિચિત્ર (કોને કહે?):

અમૂલ્ય નિજ અશ્રુ કોઇ કદી ક્યાંક ઝીલી રહે.

(૧૯પ૪)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 41)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000