moksh - Sonnet | RekhtaGujarati

મોક્ષ

moksh

ઉશનસ્ ઉશનસ્
મોક્ષ
ઉશનસ્

ગમ્યા તે ચ્હેરાઓ ઉપર નયનો નીડ રચતાં,

અશી ચ્હેરે ચ્હેરે મુજ જીવનયાત્રા વિકસતી;

અકેકા પે આખો ઠલવઈ જતો લાગણીઘટ,

ક્યહીંથી ના જાને અતલ અમીના કોક કૂપથી

ભરાઈ આવે જ્યાં ઉપર ઘટ પાછો છલકતો.

તદા સામે ચ્હેરો પણ અવર તૈયાર વળી કો!

ભરાતો ઠલ્વાતો મુજ હૃદયનો રેંટ ફરતો :

જતો લૂંટાવંતો વદનવદને જન્મશતકો–

તણી ભેગી પ્રીતિ અશીવિધ હું જન્મો ખૂટવતો.

બને કે જન્મે જઉં હું ભવના ચક્રથી છૂટી;

ચહ્યા ચ્હેરાઓની ગણતરીથી માપું મુજ ગતિ,

નથી મારે માટે અવર વળી કો મોક્ષની રીતિ.

મુમુક્ષુ તો મારા હૃદય! ચલ, પંથ વહીએ,

મળ્યા જે બે ચ્હેરા અધિક અહીં તે ચાહી લઈએ.

(૧-૪-૧૯૬ર)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000