mogro - Sonnet | RekhtaGujarati

પ્રિયે, તુજ લટે ધરૂં ધવલ સ્વચ્છ આ મોગરો,

નહીં નિકટ એથિ પર્સહક આ સમે માહરો.

બને ચકિત? ના, ખરૂં જ કહું, –ના, દયા ના સહૂં!

કયાં વચન શોધું? આ જિગર ખોલિ દેવા ચહું.

કુટુંબ વચમાં સુરક્ષિત ઉગી, ન જગ જાણતી,

સુકોમલ પવિત્ર મૂર્તિ, મુજ એક દેવી છતી!

નિહાળ દલ મોગરે, મુજ ઉરે પડો એટલાં!

અને કહ્યું શિ રીત જાય, સખિ મ્લાન એ કેટલાં!

‘દુરીત’ ‘અપરાગ’ ‘મોહ' વચનો સુણ્યાં તો હશે;

કરે મલિન કેટલું ઉર ન તૂં કદા જાણશે.

પરંતુ પ્રિય દેવિ તૂં ઉતરિ હાથ મુજ સાહવા,

–જરા ધિરજ! જરા વખત! તલસું પોત પ્રકટાવવા:

દલેદલ વિશુદ્ધ આ કચ વિશે દિપે મોગરો,

દલેદલ ઉજાળું આ ઉર, –પછી જ હું તાહરો.

સ્રોત

  • પુસ્તક : આપણાં સોનેટ (પૃષ્ઠ ક્રમાંક 83)
  • સંપાદક : ચન્દ્રશંકર ભટ્ટ
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 2007
  • આવૃત્તિ : 5