milaan - Sonnet | RekhtaGujarati

'પ્રિયે ચહું તને' કહી નવ શક્યું અરે આટલું

પરસ્પર પ્રીતિ છતાં હૃદય આપણું બાપડું!

અને પ્રણયઘેનમાં વિરહથી સદા ઝૂરતું

પળેપળ પડી રહ્યું શરમથી સ્મરી કાંપતું.

છતાંય ક-મને ધરી પ્રણયનીર રોમાંચનું

પ્રતીપ વહને જતું હૃદય બેની મધ્યે વહી,

થતાં પટ સાંકડો અવરોધ નીરે રહ્યો!

થયું વહન સીધું ત્યાં ઉર સમીપ આવી ઊભાં!

તહીં મિલન આપણું થયું પડેલ બાંકડે

સૂકાભઠ તરુ તણી કરુણ છાંયના પાંજરે.

વસંત મહીં ઝાડ કૂંપળથી છવાઈ ગયું.

નવીન વધુ પાંદડાં ફૂટત ડાળડાળે પછી

તળે તિમિર-પાંજરું થયું, ઊભાં ઉરો મહીં,

હવે થઈ છૂટાં સૂકા તરુ થકી ભાગી જજો!

સ્રોત

  • પુસ્તક : બૃહત્ ગુજરાતી કાવ્યસમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 262)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ
  • વર્ષ : 2004